ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરીસન શા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડ્રિંક્સ લઈને દોડ્યા, જાણો આખો મામલો

રમતના મેદાન પર આવી ઘણી ક્ષણો છે, જે બધાના દિલ જીતી લે છે, અને આ ક્ષણોના ઉદાહરણો દર વર્ષે આપવામાં આવે છે. આવી જ એક યાદગાર ક્ષણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કાયમ માટે કેદ થઈ ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રલિયાના વડા પ્રધાન ડ્રીંક્સ લઈને ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા.

સોશિયલ મીડિયા પર, લોકો ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસનની ખેલ ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે. ખેલ ભાવના રૂપે ખેલાડીઓને શીખવવામાં આવે છે કે રમતના મેદાન પર કોઈ મોટો કે નાનો નથી. ગુરુવારે, જ્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાન પર આવ્યા, ત્યારે તેમણે ફરી એકવાર ખેલ ભાવનાનો ઉત્કૃષ્ટ દાખલો આપ્યો હતો.

ખરેખર શ્રીલંકાની ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીંના મનુકર ઓવલ મેદાનમાં શ્રીલંકાની ટીમ પ્રેક્ટિસ મેચ તરીકે પ્રધાનમંત્રી ઇલેવન સામે મેચ રમી રહી હતી. વડા પ્રધાન સ્કોટ મોરિસન આ ટી-20 મેચમાં વોટરબોય બન્યા હતા.

જ્યારે પીએમ મોરિસનને તેમની ટીમના ખેલાડીઓ સહિત પ્રેક્ષકોની ગેલેરીમાં બેઠેલા લોકોએ જોયા તો દરેકને આશ્ચર્ય થયું. ટીવી કેમેરા અને સ્પોર્ટ્સ પ્રોજેક્ટર પણ આશ્ચર્યચકિત થયા હતા કે દેશના વડા પ્રધાન પોતાના ખેલાડીઓ માટે ગ્રાઉન્ડ પર ડ્રિંક્સ આપવા દોડી રહ્યા છે. લોકો મોરીસનની આ સ્પર્શક ક્ષણની પ્રશંસા કરી રહ્યા છે.

શ્રીલંકાની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે વડા પ્રધાન મોરીસન પોતાના ખેલાડીઓને પીવા માટે ડ્રિંક્સ લઈને મેદાન પર આવ્યા હતા. ઇનિંગની 16મી ઓવર પછી અમ્પાયરોએ ડ્રિંક્સ ટાઈમની જાહેરાત કરી ત્યારે ઓસ્ટ્રેલિયન પીએમ દોડતા-દોડતાં ડ્રિંક્સ લઈને મેદાન પર આવ્યા.

આ સમય દરમિયાન કાંગારુ ખેલાડીઓએ તેમના પીએમ પાસેથી ડ્રિંક્સ લઈને પીધું હતું. બધાએ તેમની ભાવનાની પ્રશંસા કરી હતી. વડા પ્રધાનને ગ્રાઉન્ડ પર ડ્રિંક લાવતા જોઇને મેચનું પ્રસારણ કરતી ચેનલનો એન્કર પણ તેના કેમેરામેન સાથે મેદાન પર આવ્યો. વડા પ્રધાને સ્મિત સાથે તેમનું અભિવાદન સ્વીકાર્યું.

ટી-20 મેચમાં વડા પ્રધાન ઇલેવનએ શ્રીલંકા સામે એક વિકેટથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 130 રન જ બનાવી શકી હતી. આ લક્ષ્યના જવાબમાં વડા પ્રધાન ઇલેવનની બેટિંગ નિરસ રહી હતી. પરંતુ 9 વિકેટ ગુમાવી હોવા છતાં પ્રધાનમંત્રી ઇલેવન મેચ જીતી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેરી નીલસેને 50 બોલમાં શાનદાર 79 રન બનાવ્યા હતા.