કારમી હાર બાદ અલ્પેશ ઠાકોરનો ભાજપમાં શું રોલ હશે? જીતુ વાઘાણીએ આપ્યો આવો જવાબ, જાણો શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. પરિણામોના અનુસંધાને ગઈકાલે કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે જે બેઠક ગુમાવી છે તેનું એનાલિસિસ કરવામાં આવશે અને જ્યાં કચાશ રહી ગઈ છે તેને પણ દુર કરી વધુ મજબૂત કરવામાં આવશે.

પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કહ્યું કે ભાજપને ત્રણ સીટ મળી છે. સામાન્યપણે પેટાચૂંટણીમાં કોંગ્રેસના સમયકાળમાં સરકાર વિરોધી જનમત આવતો હતો પણ આ વખતે ભાજપ સરકારમાં લોકોનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાર થઈ છે તેનુ એનાલિસિસ કરવામાં આવશે. શંકર ચૌધરી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે શંકર ચૌધરી ભાજપના આગેવાન છે અને તેમણે બધા જ પ્રયાસો કર્યા છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર હારી ગયા તે અંગે જરૂરથી વિશ્લેષણ કરવામાં આવશે.

હાર બાદ ભાજપમાં અલ્પેશ ઠાકોરની ભૂમિકા શું રહેશે તો જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપના કાર્યકર છે , આગેવાન છે. તેમના માટે જરૂરથી યોગ્ય વિચારણા કરવામાં આવશે. હાલ તો ચૂંટણી પતી છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની હારની રાજકીય વર્તુળોમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. જીતુ વાઘાણીએ પણ અલ્પેશ ઠાકોરની હવે પછી ભાજપમાં શું ભૂમિકા હશે તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી, એ એમના કથન પરથી પ્રતિપાદિત થાય છે.