મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાને ટેકો આપવા કોંગ્રેસનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

મહારાષ્ટ્ર  કોંગ્રેસના પ્રમુખ બાલાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે જો શિવસેના સરકાર બનાવવા માટે કોંગ્રેસનો સંપર્ક કરે છે તો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આ અંગે ચર્ચા કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે શિવસેનાએ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા છે અને ભાજપ દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્યમંત્રી બનાવવા માંગી રહ્યું છે. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત જ કોઈ સંતાન સરકારનો હિસ્સો બનવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી મળી છે, પણ મુખ્યમંત્રી પદને લઈ ગૂંચ ઉભી થયેલી જોવા મળી રહી છે. દરમિયાનમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, એનસીપી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનું વિચાર કરે છે તો કોંગ્રેસ આ અંગે મોવડી મંડળ સાથે પરામર્શ કરશે, અને નિર્ણય કરશે.

બાલાસાહેબ થોરાટે કહ્યું કે અમને શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પણ તેમના તરફથી કોઈ પ્રસ્તાવ આવે છે તો આ મામલે દિલ્હી હાઈકમાન્ડ સાથે વાતચીત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી પોતાની પાસે રાખવા માટે ભાજપ અને શિવસેનામાં હરીફાઈ ચાલી રહી છે. મહારષ્ટ્રની કમાન કોણ સંભાળશે તે નક્કી થઈ રહ્યું નથી. 288 ધારાસભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ અને શિવસેનાને 161 સીટ મળી છે. જ્યારે એકલા ભાજપને 103 સીટ અને શિવસેનાને 56 સીટ મળી છે. બહુમતી માટે 144 સીટની જરૂર છે.

બીજી તરફ એનસીપી તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે તે શિવસેના સાથે સરકાર બનાવી શકે છે. મડિયા રિપોર્ટ્સ પ્રમાણે એનસીપીએ શિવસેનાને મુખ્યમંત્રી પદની ઓફર કરી છે. 54 સીટ જીત્યા બાદ શરદ પવારની પાર્ટી 44 સીટ જીતનારી કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં અલગ જ દાવ રમવાનું વિચારી રહી છે.