ગુજરાતની 6 વિધાનસભાના પરિણામ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ, ત્રણ-ત્રણ સીટ પર વિજય

ગુજરાતની 6 પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે સારા નથી. ભાજપ પાસે ચાર સીટ હતી અને કોંગ્રેસ પાસે બે સીટ હતી. 6 સીટમાંથી હાલ કોંગ્રેસે બાયડમાં ફરીથી વિજય મેળવ્યો છે તો ભાજપે થરાદ વિધાનસભા ગૂમાવી છે. ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી એક સીટ આંચકી લીધી છે અને ભાજપ-કોંગ્રેસને ત્રણ-ત્રણ સીટ મળી છે

ભાજપે લાંબા સમય બાદ લૂણાવાડાની સીટ કબ્જે કરી છે. અહીંયા ભાજપના ઉમેદવાર જિજ્ઞેશ સેવક જીત્યા છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટીકીટ આપી હતી. અહીંયા ભાજપની જીત થઈ હતી.
બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે અને સહકાર અગ્રણી અને કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ વિજયી થયા છે.

થરાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે. આ સીટ ભાજપ માટે સલામત સીટ ગણાતી હતી લાંબા સમય બાદ કોંગ્રેસે થરાદમાં ખાતું ખોલાવ્યું છે. સાંસદ પરબત પટેલ પોતાના પરિવારજનમાંથી ટીકીટ માંગતા હતા અને ભાજપે જીવરાજ પટેલને ટીકીટ આપી હતી. થરાદ બેઠક પર ખરાખરીનો ખેલ હતો જેમાં કોંગ્રેસના યુવા ઉમેદવાર ગુલાબસિંબ રાજૂપતે બાજી મારી છે અને ભાજપના જીવરાજ પટેલ હાર્યા છે.

ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ફાઇટ હતી. ખેરાલુ ભાજપે ફરીથી હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર વિજેતા થયા છે.

અમદાવાદની અમરાઈવાડીમાં ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ઘર્મેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. માત્ર 32 ટકા વોટીંગ નોંધાયું હતું અને ઓછા વોટીંગમાં ભારે રોમાંચક જંગ રહ્યો હતો. મતગણતરીના 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા બાદના રાઉન્ડમાં ભાજપે બાજી મારવાનું શરૂ કર્યું હતું અને જીત મેળવી હતી.

રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે સીધી ફાઈટ જોવા મળી હતી. મતણતરીની શરૂઆતથી કોંગ્રેસે અહીંયા સરસાઈ મેળવી હતી. એક પણ રાઉન્ડમાં અલ્પેશ ઠાકોરને લીડ મળી ન હતી. કોંગ્રેસના રઘુ દેસાઈ જીતી ગયા હતા.