હાર બાદ અલ્પેશ ઠાકોરનું શું થશે? ધવલસિંહે પણ પગ પર કૂહાડી મારી,હાથના કર્યા હૈયે વાગ્યા, ન ઘરના, ન ઘાટના, રાજકીય કરિયર જોખમમાં

રાધનપુર વિધાનસભામાંથી કોંગ્રેસ છોડીને ભાજપમાં પક્ષપલ્ટો કરનારા અલ્પેશ ઠાકોરની રાજકીય દશા હવે માઠી થવા માંડી છે. અલ્પેશ ઠાકોરની રાજનીતિ શરૂઆતથી જ હાલક-ડોલક થઈ છે. તેમણે જાતે જ પગ પર કૂહાડો માર્યો અને શાંત પાણીમાં વમળો પેદા કર્યા હતા. કોંગ્રેસમાં જોડાયાના થોડા સમય બાદ જ બળવો કરી અલ્પેશે ભાજપમાં એન્ટ્રી મારી હતી. જે પછી મંત્રીપદ માટે તેઓ ભાજપમાં ગયા હતા અને ધારાસભાની ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું.

અલ્પેશ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે હરી ગયા છે. રઘુ દેસાઈ 2000થી રાદનપુરમાં ટીકીટ માટે ફાંફાં મારતા હતા અને તેમને ટીકીટ આપવામાં આવતી ન હતી. આ વખતે કોંગ્રેસે તમામ ગણતરી અને બીજું બધું સાઈડ પર મૂકીને રઘુ દેસાઈને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને અલ્પેશ ઠાકોર સામે મજબૂતીથી ચૂંટણી લડી હતી. હવે અલ્પેશ ઠાકોરનું રાજકીય કરીયર જોખમમાં મૂકાઈ જવા પામ્યું છે.

હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ બની રહ્યો છે.  અલ્પેશ માટે સ્થિતિ એવી સર્જાઈ છે કે ન તે ઘરના રહ્યા ન તો તે ઘાટના. રાધનપુર બેઠક જીતાડવાના દમ પર જ તેને ભાજપમાં એન્ટ્રી મળી હતી. આવામાં મંત્રીપદની આશા રાખીને બેઠેલા અલ્પેશ ઠાકેર હારી ગયા બાદ ભાજપમાં મંત્રી પદ તો દૂર પરંતુ જોઈએ એવું મહત્વનું પદે કે હોદ્દો પણ મળવાની આશા ધૂંધળી બની ગઈ છે. અલ્પેશ ઠાકોરે પોતાની પરંપરાગત સીટ રાધનપુરથી ચૂંટણી લડી હતી.

અલ્પેશનો હાથ પકડીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધવલસિંહને પણ જીતના ફાંફા પડ્યા હતા અને હવે તેમે હારનો સામનો કરવો પડ્યો છે. અલ્પેશ ઠાકોરની વાંહે-વાંહે જઈને ધવલસિંહે પણ પગ પર કૂહાડી મારી લીધી છે.  બાયડ બેઠક પરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાનું વચન આપ્યુ હતુ અને તે નિભાવ્યું પણ હતુ. ધવલસિંહ ઝાલા 2017માં કોંગ્રેસમાંથી આ જ બેઠક માટે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.  પરંતુ પક્ષપલટાની રમતમાં જનતાનો સાથ તેમને મળ્યો ન હતો. કોંગ્રેસે જશુભાઇ પટેલને ટિકિટ આપી છે જે ધવલસિંહને બરોબરની ટક્કર આપીને આગળ નીકળી ગયા અને બાયડ બેઠક ઉપર કોંગ્રેસની જીતી ગઈ છે.