નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, કેજરીવાલની આ માંગને આપ્યું સંપૂર્ણ સમર્થન

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બુધવારે દિલ્હીના બદપરપુરમાં જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ તેવા વિચારને સમર્થન આપ્યું હતું. આમ કરીને નીતનશ કુમારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વાતને ટેકો આપ્યો છે.

આ સિવાય, દિલ્હીના બદપરપુરમાં કાર્યકરોને સંબોધન કરતી વખતે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે, જો દિલ્હીમાં રહેતા બિહારી લોકો એક દિવસ કામ નહીં કરે તો રાષ્ટ્રીય રાજધાની ઠપ્પ થઈ જશે. સીએમ નીતીશે કહ્યું કે અગાઉ દિલ્હીમાં બિહારના લોકો સારી નજરે જોવામાં આવતા નહોતા અને બિહારના લોકો પણ પોતાની ઓળખ આપવામાં અચકાતા હતા, પરંતુ હવે બિહારમાં એટલું કામ થયું છે કે બિહારી લોકો હવે બહાર પણ ગૌરવથી પોતાની ઓળખ આપતા થયા છે.

સીએમ નીતિશે કહ્યું કે હું કામમાં વધુ અને પબ્લિસિટીમાં ઓછો માનું છું. બિહાર સરકાર જાહેરાત પર ઓછામાં ઓછી રકમ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, કામ કરતી વ્યકિતને પ્રચારની જરૂર નથી. કામ ન કરનાર વ્યક્તિ પ્રચારને વધારે પ્રોત્સાહન આપે છે.

સીએમ નીતિશે કહ્યું કે બિહાર સરકારે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે. કાર્યકર્તા સંમેલનમાં બોલતા નીતીશ કુમારે કહ્યું કે બિહારી કોઈ ઉપર ભાર નથી. તે કોઈની કૃપાથી નહીં પરંતુ તેની મહેનતથી ઉંચાઈએ પહોંચી રહ્યો છે.

બિહારીઓની લાક્ષણિક વાત એ છે કે જો તેઓ એક દિવસ દિલ્હીમાં કામ નહીં કરે આખી  દિલ્હી સ્થગિત થઈ જશે. તેમણે કહ્યું કે બિહારને જાણી જોઈને બદનામ કરવામાં આવે છે. બિહારના મુખ્ય પ્રધાન અને પાર્ટી અધ્યક્ષ નીતીશ કુમારે દારૂબંધીને કોમી અને સામાજિક સમરસતાનું પ્રતીક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધીના કારણે બિહરામાં અનેક બિમારીથી લઈને ગુનાખોરીમાં ઘટાડો થયો છે.