સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં માવઠાથી માઠી દશા : સામી દિવાળીએ ખેડુતોનાં હૈયે હોળી, પાથરા, મગફળીના પાકને વ્યાપક નુકશાન

અરબી સમુદ્રમાં સર્જાયેલાં ડિપ્રેશન અને અપર એર સરક્યુલેશનને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના સાગરકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની માઠી વરસાવી છે. ખેતરોમાં તૈયાર ખરીફ પાકને વ્યાપક નુકશાન થવા ઉપરાંત પશુઓનો ચારો નષ્ટ થતાં ખેડૂતો વ્યાપક નુકશાનીને કારણે ચિંતામાં મૂકાયા છે.

દિવાળીના તહેવારોની ખરીદીના માહોલમાં માવઠાને કારણે વેપારીઓ ધંધાર્થીઓની ચીજવસ્તુઓને પણ નુકશાન થયું છે. આ વાતાવરણ હજુ બે ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા હોય ખેડૂતોનો તૈયાર માલ યાર્ડમાં પહોંચ્યો છે ત્યાં પણ નુકશાનીની શક્યતા છે. દ.ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં સોરઠ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠાનો અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડતાં દિવાળીએ ખેડૂતોને હૈયે હોળી સર્જાઈ છે.

અનેક જિલ્લા અને ગામોમાં દિવાળીના તહેવારો સમયે જ જોરદાર વરસાદ થતાં ખેતરમાં કાઢેલી મગફળીનાં’ પાથરાને વ્યાપક નુકસાન થયું હોય જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતોને વ્યાપક નુકશાન થતાં ચિંતા ફેલાઈ છે.

જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસથી વરાપ નીકળતા ખેડૂતોએ મગફળીનો પાક ઉપાડી લીધો હતો. મોટાભાગના વિસ્તારોનાં ખેતરોમાં પાથરા પડયા હતાં તેમાં માળીયા, કેશોદ, મેંદરડા, વંથલી પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો લાચાર સ્થિતિમાં મૂકાયા છે. વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ થયું છે.

ખેડૂતોને વ્યાપક નુકશાન ઉપરાંત વેપારીઓ અને માલધારીઓને પણ આ માવઠું અસર કરી ગયું છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક અને પશુઓનાં ચારાને ભારે નુકશાન પહોંચાડયું છે.

દ.ગુજરાતમાં ઝરમરથી લઇને અડધો ઇંચ જેવો વરસાદ પડી જતાં ખેતરોમાં પડેલાં તૈયાર પાકને નુકશાન થયું છે.  જ્યારે સુરતમાં વરસાદને કારણે વેપારીઓની ચીજવસ્તુને નુકશાન થયું હતું.