શું થશે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનું? પેટાચૂંટણીની 6 બેઠક માટે આવતીકાલે મતગણતરી

ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં 21મી તારીખે મતદાન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે તમામ 6 બેઠક માટેની મતગણતરી શરૂ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક સહિત પેટા ચૂંટણીમાં કુલ 42 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ છે. મતગણતરી માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

ચૂંટણી પંચ દ્વારા ઉભા કરાયેલા 1781મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતું. આવતીકા એટલે કે 24મી ઓકટોબરના રોજ તમામ 6 બેઠકોની સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

21મી તારીખે યોજાયેલા મતદાનમાં તમામ 6 બેઠકો પર સરેરાશ 56 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું.  સમગ્ર દિવસ દરમ્યાન આજે દરેક તબક્કે થરાદ પર સૌથી વધુ મતદાન નોંધાયું હતું. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ખાસ તો, ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે.

તમામ 6 બેઠકોની પેટા ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા કુલ 1781 મતદાન મથકો ઊભાં કરાયાં હતા. આશરે 8500થી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજમાં તૈનાત કરાયાં હતા. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં સાત ઉમેદવારો મેદાનમાં છે.

ખેરાલુ બેઠક પર ૪ ઉમેદવારો છે. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ફાઇટ છે. થરાદ બેઠક પર સાત ઉમેદવારો જંગમાં છે. જેમાં ભાજપના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો જંગ છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ મળી ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 24મીએ એટલે કે આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોની તાકાત સ્પષ્ટ થઇ જશે.