અલકાયદાના સહયોગી અંસાર ગઝવાતુલ હિન્દનો કાશ્મીરમાંથી સફાયો, કમાન્ડર માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે બુધવારે જાહેરાત કરી હતી કે અલ કાયદા સાથે સંકળાયેલા અંસાર ગઝવાતુલ હિન્દ (AGH)નો કાશ્મીર ખીણમાંથી સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે ત્રાલ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. ત્રણેય આતંકીઓ અંસાર ગઝવાતુલ હિંદના હતા. આ એન્કાઉન્ટરમાં કમાન્ડર હમીદ લલ્હારી પણ માર્યો ગયો છે. દિલબાગસિંહે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણે આતંકીઓ સ્થાનિક છે અને ત્રણેય લોકો અંસાર ગઝવાતુલ હિંદના છે.

દિલબાગ સિંહે કહ્યું, “AGHનો સફાયો થઈ ગયો છે, પરંતુ કેટલાક તત્વો એવા છે જે હજુ પણ સક્રિય છે.” તેઓ અચાનક જ સામે આવે છે અને આતંકવાદીઓ સાથે જોડાતા હોય છે, પરંતુ હવે AGHનો કાશ્મીરમાંથી સફાયો થયો છે. ” ત્રાલમાં માર્યા ગયેલા ત્રણ આતંકીઓની ઓળખ હમીદ લોન ઉર્ફે હમીદ લલ્હારી, નવીદ અહેમદ ટાક અને જુનેદ રાશિદ બટ્ટ તરીકે થઈ છે.

ત્રણેય પુલવામા જિલ્લાના રહેવાસી હતા. “પોલીસ રેકોર્ડ્સ અનુસાર, માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ ઝાકીર મૂસાની ટેરર આઉટફીટ માટે કામ કરતા હતા અને સુરક્ષા સ્થળો પરના હુમલાઓ અને નાગરિકો પરના અત્યાચારના ઘણા કેસો સહિતના આતંકવાદ સંબંધિત ગુનાની અનેક ઘટનાઓમાં તેમની સંડોવણી હતી.”

તેમણે કહ્યું કે આતંકવાદીઓનું જૂથ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે મળીને કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “JeM કાશ્મીરના દરેક આતંકી સંગઠન સાથે સંકલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.” JeM અને લશ્કર-એ-તૈયબાને પાકિસ્તાન તરફથી સૂચનાઓ મળે છે કે તેમનું લક્ષ્ય કોણ છે, ક્યા સ્તરે અને કયા પ્રકારનો હિંસા ભડકાવવી જોઇએ. આને લઈ સુરક્ષા દળો સતર્ક છે. ”

તેમણે કહ્યું કે ‘ JeM અને લશ્કર એમ બંને આઉટફીટ દરેક સંગઠનને એકબીજા સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે. જો તમને યાદ હોય તો, ત્રાલમાં બે ગુર્જર ભાઈઓ માર્યા ગયા હતા અને આ ઘટનામાં JeM સાથે સંકળાયેલા પાકિસ્તાની આતંકવાદી યાસીરની સંડોવણી હતી. તે પણ આ ગ્રુપ સાથે સંપર્કમાં હતો.