INX મીડિયા કેસ: ચિદમ્બરમને મળ્યા જામીન પણ હજુ રહેશે જેલમાં, કારણ જાણો

INX મીડિયા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં જામીન આપ્યા છે. જોકે, ચિદમ્બરમે હજી જેલમાં રહેવું પડશે કારણ કે તે હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં છે. સીબીઆઈ કસ્ટડી કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. ધ્યાનમાં રહે કે INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઇડીએ અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે જામીન આપતાં કહ્યું કે ચિદમ્બરમને જેલમાંથી મુક્ત કરી શકાય છે પણ શરત એ છે કે અન્ય કોઈ કેસમાં તેમની ધરપકડ કરાઈ નહીં હોય. આ ઉપરાંત, તેમણે એક લાખનું વ્યક્તિગત બોન્ડ ભરવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જેલમાંથી છૂટ્યા પછી પણ, તેઓને વિદેશ જવા દેવામાં આવશે નહીં અને તેઓને પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવું પડશે. જોકે, ચિદમ્બરમ 24 ઓક્ટોબર સુધી ઇડી કસ્ટડીમાં છે. સીબીઆઈએ ચિદમ્બરમની તેમના જોરબાગ નિવાસસ્થાનથી 22 ઓગસ્ટની રાત્રે ધરપકડ કરી હતી.

નોંધનય છે કે દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ચિદમ્બરમે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 18 ઓક્ટોબરે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચિદમ્બરમ હાલમાં 24 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં છે. આ સિવાય સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં 24 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં પણ છે.

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમની અરજી સામે દલીલ કરી હતી કે સાક્ષીઓને ડરાવવા માટે પૂર્વ નાણામંત્રી પ્રયાસ કરી શકે છે. ઓછામાં ઓછા મહત્વપૂર્ણ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવે ત્યાં સુધી તેમને જામીન આપવી જોઈએ નહીં. સીબીઆઈએ કહ્યું હતું કે, “આજે એવો સમય છે જ્યારે આર્થિક ગુનાઓના આરોપી દેશથી ભાગી રહ્યા છે, એક રાષ્ટ્ર તરીકે આપણે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.”

INX મીડિયા કેસમાં સીબીઆઈએ ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સહિત 15 લોકો વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે. તેમાં મીડિયાના પૂર્વ વેપારી પીટર મુખર્જી, ઈન્દ્રાણી મુખર્જી પણ સામેલ છે. ઇંદ્રાણીએ ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સિંગાપોર, મોરેશિયસ, બર્મુડા, ઇંગ્લેન્ડ અને સ્વિટ્ઝર્લન્ડમાં પાંચ મિલિયન ડોલર આપવાનો દાવો કર્યો હતો.