70 વર્ષમાં પહેલીવાર ભારત-પાકિસ્તાન ટપાલ સેવા બંધ કરાઈ

ભારત-પાક. ભાગલા બાદ પહેલીવાર બન્ને દેશ વચ્ચે ટપાલ સેવા બંધ થઈ છે. ભારતના વિભાજન બાદ ત્રણ યુદ્ધ અને તનાવ ભર્યા સંબંધો વચ્ચે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડાક સેવા ક્યારેય બંધ થઈ નથી. જો કે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાને બન્ને દેશો વચ્ચેની ડાક મેલ સેવાને રોકી દીધી છે. પાક.ની આ હરકતને ભારતે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.  ભારતે એકતરફી રીતે ટપાલ સેવા બંધ કરવા માટે પાકિસ્તાન પર પ્રહાર ર્ક્યા હતા અને જણાવ્યું હતું કે આ પગલું આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની વિરુદ્ધમાં છે.

નવી દિલ્હી ખાતે મીડિયા સમક્ષ બોલતાં કેન્દ્રના સંદેશવ્યવહાર અને આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, પાકિસ્તાને આ પગલું ભારતને કોઈ આગોતરી નોટિસ આપ્યા વિના ભર્યું હતું. પાકિસ્તાનનું આ પગલું આંતરરાષ્ટ્રીય પોસ્ટલ યુનિયનના નિયમોથી વિપરીત છે. પ્રત્યેક દેશ વર્લ્ડ પોસ્ટલ યુનિયનના નિયમો મુજબ કામ કરે છે. આ સંબંધમાં ભારતીય ટપાલ ખાતું પગલાં ભરવાનું વિચારી રહ્યું છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં સરકાર દેશમાં એક લાખ ડિજિટલ ગામડાઓ ઊભાં કરશે. નવી દિલ્હી ખાતે મીટવાય સ્ટાર્ટ અપ સમિટ 2019 ખાતે બોલતાં પ્રસાદે આ ડિજિટલ ગામડાઓને પોતાની રીતે પીઠબળ પૂરું પાડવા સંબંધિત હિસ્સેદારોને અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ ગામડાઓ ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડશે.
પ્રસાદ આ સંબંધમાં સોફટવેર પ્રોડકટ પૉલિસી, ઈલેકટ્રોનિક પૉલિસી અને ડિજિટલ કૉમ્યુનિકેશન પૉલિસી લાવવા સહિતની પહેલ વિશે બોલ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં બદલાવ લાવવા માટે ડિજિટલ ઈન્ડિયા એક મંચ બને તેવું તેઓ ઈચ્છે છે.

તેમણે સોશિયલ સ્ટાર્ટ અપ્સને ઉત્તેજન આપવાની પણ હિમાયત કરી હતી. આ પ્રસંગે તેમણે મીટવાય સ્ટાર્ટિંગ હબ – એમએસએમ અને ભીમ 2.0 તથા ઇન્ડિયન સોફટવેર પ્રોડક્ટ રજિસ્ટ્રીને ખુલ્લી મૂકી હતી.