કમલેશ તિવારી હત્યાકાંડ: ભાગતા ફરતા હત્યારા અશફાક અને મોઈનુદ્દીનની શામળાજીથી ધરપકડ

કમલેશ તિવારી હત્યાકાંડ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે કમલેશ તિવારી મર્ડર કેસમાં સંડોવાયેલા અને મુખ્ય સૂત્રધાર અશફાક શેખ અને મોઈનદ્દીન પઠાનની ગુજરાતમાં પ્રવેશ કરતી વખતે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી શામળાજી નજીકથી ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશની પોલીસે ભાગતાફરતા બે આરોપીને પકડવા માટે દરેકના નામે અઢી લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને 17મી ઑક્ટોબરે નજીકની હૉટેલમાં શેખ અશફાક હુસેન અને મુઇનુદ્દીન પઠાનના નામે રોકાયા હતા. હત્યાના દિવસે બંને હૉટેલમાંથી હાથમાં મીઠાઇના પેકેટ લઇને ભગવા કુર્તા પહેરીને નીકળ્યા હતા.

ડીઆઈજી એટીએસ ગુજરાત હિમાંશુ શુક્લાનાં નિર્દેશનમાં એસપી બીપી રોજિયા, એસપી બીએસ ચાવડા અને અન્ય અધિકારીઓએ કમલેશ તિવારીની હત્યાનાં મામલે વૉન્ટેડ આરોપીઓ અશફાક હુસૈન ઝાકિર હુસૈન શેખ (34) અને મોઇનુદ્દીનની ધરપકડ કરી. અશફાક સૂરતનાં લિંબાયત સ્થિત ગ્રીન વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેવાસી છે, જ્યારે મોઇનુદ્દીન ખુર્શીદ પઠાણ ઉમારવાડા સ્થિતિ કાસ્ટ કૉલોની, સુરતનો રહેવાસી છે.સર્વિલન્સ દ્વારા જાણ થઈ ત્યારબાદ આરોપીઓની શામળાજીની નજીક ગુજરાત-રાજસ્થાન બૉર્ડરથી ધરપકડ કરવામાં આવી.

શરૂઆતની પૂછપરછમાં આરોપીઓએ એ વાતને કબૂલી કે તેમણે મૃતક દ્વારા આપવામાં આવેલા ભડકાઊ ભાષણનાં કારણે આ ઘટનાને અંજામ આપ્યો. ગુજરાત એટીએસે જણાવ્યું કે રવિવારનાં સવાર સુધી બંને હત્યારાઓ નેપાળથી શાહજહાંપુર પહોંચી ચુક્યા હતા અને ગુજરાત તરફ વધી રહ્યા હતા.

કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ આરોપીઓને ઉત્તર પ્રદેશ પોલીસનાં હવાલે કરી દેવામાં આવશે, જેથી આગળની કાર્યવાહી કરવામાં આવે. આ પહેલા ગુજરાત એટીએસ અને યૂપી પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ઑપરેશનમાં મૌલાના મોહસિન શેખ, ફૈઝાન અને રાશિદ પઠાણની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ત્રણેયની ધરપકડ બાદ તેમને ટ્રાંઝિટ રિમાન્ડ પર ઉત્તર પ્રદેશ પોલીસ પોતાની સાથે લઇને ગઈ.

યુપીના ડીજીપી ઓ. પી. સિંહે બંનેને પકડવા માટે દરેકને માથે અઢી લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. નાકા હિંડોલા વિસ્તારમાં ઓછા જાણીતા પક્ષ હિંદુ સમાજ પાર્ટીના પ્રમુખ કમલેશ તિવારીની શુક્રવારે એના ઘરે હત્યા કરવામાં આવી હતી.

પોલીસને હૉટેલના રૂમમાંથી લોહીથી ખરડાયેલા ભગવા રંગના કુર્તા અને લોહીના દાઘવાળો ટોવેલ મળી આવ્યા હતા. રૂમમાંથી નવા ખરીદેલા મોબાઇલનું ખોખું પણ મળી આવ્યું હતું. આ મામલે સુરતથી પકડાયેલા ત્રણ આરોપી માટે ગુજરાતની અદાલતે દિલ્હી પોલીસને ટ્રાંઝીટ રીમાન્ડ મંજૂર કર્યા હતા.

આ ઉપરાંત હત્યારા બરેલીમાં પ્રખ્યાત દરગાહના ખાદીમને મળ્યા હતા અને પોલીસે ખાદીમ અને નાતખાં સૈયદ કૈફી અલી આઝમીની પણ ધરપકડ કરી છે.