આસામની ભારતીય જનતા પાર્ટી સરકારે વસ્તી નિયંત્રણ તરફ એક મોટું પગલું ભર્યું છે. આસામની સર્વાનંદ સોનોવાલ સરકારે નિર્ણય કર્યો છે કે પહેલી જાન્યુઆરી, 2021 થી જે લોકોને બે કરતા વધારે બાળકો છે તેમને સરકારી નોકરી મળશે નહીં. આ નિર્ણય સોમવારે આસામના મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના જનસંપર્ક વિભાગ દ્વારા પ્રસિદ્વ કરાયેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે પહેલી જાન્યુઆરી 2021 પછી, બે કરતા વધારે બાળકો ધરાવતા લોકો, તેઓને સરકારી નોકરી માટે પાત્ર ગણાશે નહીં.
સપ્ટેમ્બર 2017માં આસામ વિધાનસભાએ વસ્તી અને મહિલા સશક્તિકરણ નીતિ પસાર કરી હતી. આ નીતિ હેઠળ માત્ર સરકારી નોકરીના જ અરજદારો કે જેમની પાસે બે બાળકો છે તે જ નોકરી માટે પાત્ર બનશે, ઉપરાંત હાલના સરકારી કર્મચારીઓએ પણ બે બાળકોની નીતિનું કડક પાલન કરવું પડ્યું હતું.
નવી જમીન નીતિને કેબિનેટની બેઠકમાં પણ મંજૂરી આપવામાં આવી હતી. આ નીતિ હેઠળ, જે લોકો આસામના વતની છે પરંતુ જેની પાસે જમીન નથી, તેઓને સરકાર પાસેથી ત્રણ બીઘા જમીન મળશે. આ ઉપરાંત સરકાર મકાનો બનાવવા માટે અડધા વિઘા જમીન પણ આપશે. સરકારના આદેશ અનુસાર, જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેશે તે આગામી 15 વર્ષ સુધી આ જમીન વેચી શકશે નહીં. કેબિનેટની આ બેઠકમાં બસોના ભાડામાં 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્તી વિસ્ફોટ તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું. વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણે આવનારી પેઢી માટે વિચારવું પડશે. પીએમ મોદીએ કહ્યું હતું કે મર્યાદિત કુટુંબ સાથે દેશનું પણ ભલું થશે. નાના કુટુંબની હિમાયત કરતી વખતે તેમણે કહ્યું કે નાનું કુટુંબ રાખવા પણ એક રીતે દેશભક્તિ છે. તેમણે કહ્યું કે, જેમનો પરિવાર નાનો છે, તેઓ દેશના વિકાસમાં પણ ફાળો આપી રહ્યા છે અને આવા લોકોનું સન્માન થવું જોઈએ.