કરતારપુર ગુરુદ્વારા માટે ફી વસુલવા મામલે પાકીસ્તાન અડગ

કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા ઈચ્છતા દરેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર (એટલે કે આશરે રૂપિયા 1420) ફી વસુલવાના પાકિસ્વતાનના વલણને લીધે આ અંગે હવે ગુંચવણભરી સ્થિતિ સર્જાઈ છે.આ સ્થિતિમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રવિવારથી શરૂ થઈ શકી ન હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે આ મુદ્દે વિદેશ મંત્રાલય એક બેઠક યોજશે. ત્યારબાદ ટૂંક સમયમાં પાકિસ્તાનના અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે, જેમાં પાકિસ્તાનને કહેવામાં આવશે તે સંપૂર્ણપણે ફી માફ કરી દે, જો તે આ મુદ્દે નહીં માને તો ફી માં ઘટાડો કરવા માટે કહેવામાં આવશે.

બેઠક બાદ જ કેન્દ્ર સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરશે. બીજીબાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮મી નવેમ્બરના રોજ કોરિડોરનું ઉદઘાટન કરવા માટે ડેરા બાબા નાનક પહોંચશે, જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ૯મી નવેમ્બરના રોજ પાકિસ્તાન કોરિડોર શરૂ કરશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ગુરુદ્વારા કરતારપુર સાહિબના દર્શન માટે જાય તેવો પ્રોગ્રામ છે.

શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન કરવા માટે કેન્દ્રની વેબસાઈટ તૈયાર છે. જોકે તેને હજુ ખોલવામાં આવી નથી. રવિવારના રોજ પંજાબ સહિત દેશ અને વિદેશમાં શિખ શ્રદ્ધાળુઓમાં મૂઝવણભરી સ્થિતિ જોવા મળતી હતી. અમૃતરસ, જાલંધર, ચંડીગઢ અને અન્ય કેટલાક રાજ્યના અનેક લોકો પૂછપરછ કરતાં જોવા મળતા હતા.

પાકિસ્તાન કરતારપુર કોરિડોર માટે દરેક ભારતીય શિખ શ્રદ્ધાળુ પાસે ૨૦ ડોલર એટલે કે આશરે રૂપિયા 1420 ફી વસૂલવાના વલણ પર અડગ છે. ભારતે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાકિસ્તાને ફી હટાવવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાન દરરોજ ૫ હજાર શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવા મંજૂરી આપી છે. પ્રત્‌યેક વર્ષ આશરે 18 લાખ શિખ શ્રદ્ધાળુ જશે તો પાકિસ્તાનને આશરે 259 કરોડની આવક થશે.

હરિયાણાના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાએ કહ્યું છે કે કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન અને કેન્દ્ર વચ્ચે જે પણ સમજૂતી થઈ હોય પણ હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનશે તો આ 20 ડોલરની ફી શ્રદ્ધાળુઓએ આપવી પડશે નહીં. આ જાણકારી તેમણે રવિવારે ટવીટ કરી આપી હતી. શનિવારે કેજરીવાલ સરકારે પણ દિલ્હીના શિખ શ્રદ્ધાળુઓની ફી સરકાર તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.