ગુજરાત પેટાચૂંટણી: તમામ 6 બેઠક પર કુલ 51.35 ટકા મતદાન, સૌથી વધુ ક્યાં થયું અને સૌથી ઓછું ક્યાં? જાણો વધુ

ગુજરાત વિધાનસભા માટે યોજાયેલી 6 સીટની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી મતદાનની પ્રક્રિયામાં તમામ 6 સીટો પર સરેરાશ કુલ 51.36 ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ મતાદન થરાદ વિધાનસભામાં નોંધાયું છે. થરાદમાં 68. 95 ટકો મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું 31.53 ટકા વોટીંગ અમદાવાદ સિટી વિસ્તારમાં આવતી અમરાઈવાડી વિધાનસભા સીટ પર થયું છે.

આ ઉપરાંત ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 61.01 ટકા, લુણાવાડામાં 47.54 ટકા અને રાધનપુરમાં 59.95 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ દ્વારા જણાવાયું છે.

તમામ 6 વિધાનસભા મતવિસ્તારોના મતદાન મથકો પર મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1781 મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 42 ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે. 24 ઓક્ટોબરે સવારે આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ, બાયડમાં ભાજપના ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુ પટેલ, ખેરાલુમાં ભાજપના અજમલ ઠાકોર, થરાદમાં ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી જીવરાજ પટેલ, અમરાઇવાડીમાં ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડામાં ભાજપના જિજ્ઞેશ સેવક અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. આ તમામના ભાવિ આજે નક્કી થશે.

પાછલા પંદર  15 દિવસથી ભાજપ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા જોરદાર પ્રતાર કરવામાં આવ્યો હતો અને શનિવારે પ્રચાર પડઘમ શાંત થયા હતા.અંતિમ ચવીસ કલાકમાં બૂથ સ્તરના કાર્યકરો મારફતે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને પોતાની તરફ ખેંચવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતા. ભાજપ માટે રાધનપુર અને બાયડ તથા લુણાવાડામાં ભારે રસાકસી જોવા મળી છે. જોકે, ભાજપે તમામ 6 બેઠકો પર શરૂઆતથી જ માઇક્રો પ્લાનિંગ હાથ ધરી કોઇપણ ભોગે પોતાની ચાર ઉપરાંત રાધનપુર અને બાયડ પર કબ્જો મેળવવા માટે મહેનત શરૂ કરી હતી. હવે તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થઈ જવા પામ્યું છે.