દરિયા કિનારે મહાલવા તૈયાર થઈ જાઓ, વલસાડના તિથલ બીચ પર કાલથી બીચ ફેસ્ટીવલ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ 21 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટીવલ – 2019નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટીવલને 21 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મુકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.

બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓને તેની કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.

રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.