કમલેશ તિવારી હત્યાનું ષડયંત્ર સુરતમાં ઘડાયું, મૌલાના મોહસીન, રશીદ ખાન અને ફૈઝલની ધરપકડ

હિન્દુ મહાસભાના પૂર્વ નેતા અને હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા અંગે સુરત કનેક્શન બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે. ગુજરાત એટીએસે સુરતનાલીંબાયત વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ ત્રણેય યુવકો અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

ગુજરાત એટીએસે યુપી પોલીસના ઈનપૂટના આધારે ઉધના રોડ પર આવેલી ઘરતી નમકીન એન્ડ સ્વીટ્સની દુકાનમાંથી સીસીટીવી ફૂટેજ જોવા હતા જેમાં 17મી એટલે કે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બે યુવકોએ ધરતી સ્વીટ્સમાંથી ઘારી ખરીદી હતી અને મીઠાઈનું બોક્સ યુપી સુધી પહોંચ્યું હતું. આ બોક્સની કડીના આધારે પોલીસે તપાસ કરતા બહાર આવ્યું છે કે બે યુવકોએ મીઠાઈ ખરીદી હતી અને આ મીઠાઈના બોક્સમાં હથિયાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગઈકાલે સવારે કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી.

કમલેશ તિવારી આઈએસઆઈએસના ટારગેટ પર હતા. સુરતમાંથી 2017માં પકડાયેલા ઉબેદ મીર્ઝા અને કાસીમ સ્ટીમ્બરવાલાએ પણ કમલેશ તિવારીની હત્યાના ષડયંત્રની કબૂલાત કરી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના ક્લાકોમાં જ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝલ નામના યુવકોની હત્યા સંદર્ભે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. રશીદ ખાન 23 વર્ષનો છે. સમગ્ર હત્યાકાંડના માસ્ટર માઈન્ડ તરીકે રશીદ ખાન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. રશીદ ખાન હાલમાં જ દૂબઈથી સુરત આવ્યો હતો અને તેણે મોહસીન અને ફૈઝલને કમલેશ તિવારીની હત્યા કરવા માટે તૈયાર કર્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

યુપી પોલીસના જણાવ્યા મુજબ રશીદ અહમદ પઠાણને કમ્પ્યુટરનું નોલેજ છે, પણ ટેલરીંગનું કામ કરે છે. જ્યારે મૌલાના મોહસીન શેખ સાડીની દુકાનમાં નોકરી કરે છે  અને ફૈઝાન બૂટની દુકાનમાં નોકરી કરે છે. ત્રણેય ભગવા કલરના કપડા સુરતમાં જ સિવડાવ્યા હતા.

હાલ યુપી પોલીસે હત્યાકાંડમાં આતંકી સંગઠનનો હાથ હોવાની વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે 2015માં મૌલના દ્વારા કમલેશ તિવારીની હત્યા કરવા માટે કરવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જ તેમની હત્યા કરવામાં આવી છે. બધા જ આરોપી સુરતના છે પણ તેમના કનેક્શન લખનૌ સાથે પણ રહ્યા છે. આતંકી સંગઠનની સાથે સાંઠગાંઠ ખૂલશે તો પોલીસ દ્વારા તેની જાણ કરવામાં આવશે.

હત્યા કરવાનું ષડયંત્ર સુરતમાં ઘડાયું હોવાની માહિતી મળી રહી છે. હત્યામાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

કમલેશ તિવારી પયગમ્બર હઝરત મહોમ્મદ સાહેબની વિરુદ્વ વિવાદિત ટીપ્પણી કરી હતી અને ત્યાર બાદ તિવારી વિરુદ્વ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. યુપી પોલીસે તિવારી વિરુદ્વ રાસુકા હેઠળ કાર્યવાહી કરી હતી.