“ગાયની પૂજા કોઈ અજ્ઞાની જ કરી શકે છે”: વીર સાવરકરે શા માટે આવું કહ્યું હતું? જાણો વધુ

આજે જ્યારે કેન્દ્રમાં આવેલી મોદી 2.0 સરકારને કથિત ગૌરક્ષકો દ્વારા નિર્દોષ મુસ્લિમોની હત્યાને કારણે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સતત નિશાન બનાવવામાં આવે છે, ત્યારે તે જાણવું વધુ મહત્વનું બને છે કે 1923માં હિન્દુત્વની કલ્પનાના નાયક અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક વીર સાવરકરના ગાય અંગેના શું વિચારો કેવાં હતા?

સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક દ્વારા પ્રકાશિત વિજ્ઞાનિષ્ઠ નિબંધના ભાગ-1 અને ભાગ-2માં વીર સાવરકરનો જવાબ દર્શાવે છે કે તેઓ ગાય પૂજાના વિરોધી હતા. તેમણે ગાયના સંરક્ષણ વિશે વાત કરી હતી, એ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર.

આ 1930ની દાયકા વાત છે. મરાઠી ભાષાના પ્રખ્યાત જર્નલ “ભાલા”માં બધા હિન્દુઓને સંબોધન કરતાં પૂછવામાં આવ્યું હતું કે ‘અસલ હિન્દુ કોણ છે? જે ગાયને તેની માતા માને છે, તે’? વીર સાવરકરે આનો જવાબ ‘ગોપલાન હવે, ગોપૂજન નવ્હે’માં આપ્યો છે. તેનું હિન્દી ભાષાંતર કંઈક એવું છે કે, ‘ગાયની સંભાળ રાખો, તેની પૂજા નહીં કરો’. આ નિબંધ બતાવે છે કે વીર સાવરકર ગાય પૂજાના વિરોધમાં હતા.

તેમણે આ નિબંધમાં લખ્યું છે કે, ‘જો ગાય કોઈની માતા બની શકે, તો તે માત્ર આખલાની જ છે. હિન્દુઓની કદાપિ પણ નહીં. ગાયના પગની પૂજા કરીને હિન્દુત્વનું રક્ષણ કરી શકાતું નથી. ગાયના પગમાં પડેલી કોમ સંકટના આભાસ માત્રથી પડી ભાંગશે.

ગાય વીર સાવરકરનાં મંતવ્ય મુજબ ગાય એક ઉપયોગી પ્રાણી છે, પરંતુ તેની ઉપાસનાનો કોઈ અર્થ નથી. આ અંગે દલીલ કરતાં તેમણે કહ્યું કે વ્યક્તિએ એવા કોઈની ઉપાસના કરવી જોઈએ જે તેના કરતાં મોટો હોય અથવા જેની પાસે માણસો કરતા વધારે ગુણો હોય. કોઈ પ્રાણી હિન્દુઓનું પૂજ્ય પ્રાણી હોઈ શકે નહીં, જે માનવતાના દ્રષ્ટિકોણથી પછાત પ્રાણી છે.

ગાયની ઉપાસનાને ‘અજ્ઞાનતાથી પ્રેરિત આચરણ’ ગણાવતાં સાવરકરે કહ્યું કે આ વલણ ખરેખર ‘બુદ્ધિની હત્યા’ છે. એવું નથી કે વીર સાવરકર પણ ગાયના રક્ષણની વિરુદ્ધ હતા, પરંતુ તેમણે ગાયના રક્ષણને રાષ્ટ્રીય જવાબદારી પણ ગણાવી હતી. જો કે, તેમણે કહ્યું કે ગાયનું રક્ષણ આર્થિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હોવું જોઈએ. આ સંદર્ભમાં, સાવરકરે અમેરિકાનું ઉદાહરણ આપ્યું, જ્યાં મોટાભાગના પ્રાણીઓ ઉપયોગી સાબિત થાય છે.

આ સાથે વીર સાવરકરે ગૌમૂત્રના સેવન અને કેટલાક કિસ્સાઓમાં ગાયના છાણના વપરાશ અંગે પણ જોરદાર વાંધો નોંધાવ્યો હતો. તેમનું માનવું હતું કે આ પ્રથા પ્રાચીન ભારતમાં સજા તરીકે શરૂ થઈ હોવી જોઇએ અને આધુનિક સંદર્ભોમાં તેના માટે કોઈ સ્થાન નથી.

આ સાથે તેમણે પોતાના વિશે કટ્ટર હિન્દુઓની ધારણા અંગે પોતાના આગવા અંદાજમાં સ્પષ્ટતા કરી હતી. સાવરકરે તર્ક આપ્યું હતું કે તેમણે ગાયની પૂજા ન કરવી જોઈએ એમ કહીને ગુનો કર્યો છે. એક પ્રકારની ઈશનિંદા કરી છે, પરંતુ કટ્ટક હિન્દુઓનો ગુનો મારા પોતાના ગુનો કરતાં મોટો છે. જે લોકો માને છે કે 33 કરોડ દેવી-દેવતા ગાયના પેટમાં છે.