ટેરર ફંડીંગ: FATFએ પાકિસ્તાનને આપી ફેબ્રુઆરી-2020 સુધીની મહેતલ, બ્લેકલિસ્ટ થવાનું લગભગ પાક્કું

ટેરર ફંડીંગના મામલે પાકિસ્તાન પરથી હાલ પુરતી રીતે બ્લેક લિસ્ટ કરવાની ઘાત ટળી ગઈ છે પણ માત્ર કેટલાક સમય માટે જ આ ઘાત ટળી છે. શુક્રવારે ફાઇનાન્સિયલ એક્શન ટેસ્ટ ફોર્સ (FATF)એ પાકિસ્તાનને કડક સૂચના આપી હતી કે ફેબ્રુઆરી 2020 સુધીમાં એક્શન પ્લાન તૈયાર કરીને આતંકવાદને ડામવા માટે આગળ વધે..

જો નિર્ધારિત સમયની અંદર પાકિસ્તાન આમ કરવામાં નિષ્ફળ જાય તો તેણે કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. પાકિસ્તાન સાથેના કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અને બિઝનેસ પર પણ નજર રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. અત્યારે ચીન, મલેશિયા અને તુર્કીના ટેકાને કારણે પાકિસ્તાન બ્લેકલિસ્ટથી બચી ગયું હતું, પરંતુ હવે ગ્રે લીસ્ટમાંથી બહાર આવવું અશક્ય છે.

સૂત્રો કહે છે કે FATF દ્વારા હાલ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખ્યું હોવા છતાં, આતંક સામે પૂરતા પગલાં ન લેવાને કારણે આગામી વર્ષોમાં આ યાદીમાંથી બહાર આવવું તેમના માટે અશક્ય છે.

આ સાથે જ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ એવા સંકેતો આપ્યા છે કે ફેબ્રુઆરી 2020માં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રો એમ પણ કહે છે કે FATFએ આ નિર્ણય જાહેર કરીને એક ખાસ સંદેશ આપ્યો છે. FATFએ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સંસ્થાઓને પણ ફેબ્રુઆરી 2020થી પાકિસ્તાનને વધુ સહાય ન આપવા તૈયાર રહેવા સંકેત આપ્યો છે.

FATF દ્વારા જૂન 2018માં પાકિસ્તાને ગ્રે લીસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને 27 પોઇન્ટની એક્શન પ્લાન આપતા એક વર્ષનો સમય આપ્યો હતો. આમાં આતંકવાદી સંગઠનોને ફંડીંગ અને મની લોન્ડ્રીંગ જેવા પગલા ભરવાનું કહેવામાં આવ્યું હતું. જો પાકિસ્તાન આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય છે તો FATF દ્વારા આ અંતિમ ચેતવણી હોવાનું પણ માનવામાં આવે છે.

હકીકતમાં, જ્યારે પાકિસ્તાને લાગ્યું કે તેને બ્લેક લીસ્ટ કરી શકાય છે, ત્યારે તેણે વિશ્વના ઘણા દેશોને તેની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો. કાશ્મીર પર, પાકિસ્તાને ખોટી વાતોનો પ્રચાર કરવાનું શરૂ કર્યું અને ભારત સામે તેનો એજન્ડા આગળ વધાર્યો અને ચીન તેમ જ તુર્કી અને મલેશિયા સાથે તેની નિકટતા વધારી હતી. કાશ્મીર અંગે તુર્કી અને મલેશિયાના વલણથી સ્પષ્ટ થયું કે આ બંને દેશો ચીન સાથે મળીને પાકિસ્તાનને બ્લેક લીસ્ટ થવાથી બચાવી શકે છે.