RTIમાં ખુલાસો: રીઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટોનું છાપવાનું બંધ કરી દીધું છે, આ રહ્યા કારણો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટોનું છાપવાનું બંધ કરી દીધું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી. RBIએ ‘ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ વતી ફાઇલ કરેલી આરટીઆઈના જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

2016માં નોટબંધી બાદ પહેલી વાર 2000 રૂપિયાને ચલણમાં મૂકવામાં આવી હતી. 2000 રૂપિયાની નોટને કાળા નાણાના વેપારને અટકાવવા ચલણી બનાવવામાં આવી હતી. જોકે, આને લઈને સરકારની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. જાણકારોએ જણાવ્યું હતું કે ઉંચા કરન્સી દરની આ નોટના કારણે કાળા નાણાંને વધુ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત 2000ની નોટના છૂટ્ટા કરવાની પણ બહુ મોટી તકલીફ ઉભી થઈ રહી છે.

RBIએ આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની 354.29 કરોડની નોટો છાપવામાં આવી હતી, જ્યારે 2017-18માં 11.15 કરોડની નોટો છાપવામાં આવી હતી. 2018-19માં આ સંખ્યા ઘટીને 4.66 કરોડ થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ નોટ છાપવામાં આવી નથી.

પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 2000 રૂપિયાની નોટોના ચલણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2018-19માં ચલણમાં 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં 7.2 કરોડનો ઘટાડો થયો હતો. પાછલા નાણાકીય વર્ષમાં, નવી 2000 કરન્સીની સંખ્યા 336 કરોડથી ઘટીને 329 કરોડ થઈ ગઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં 1546 કરોડની સરખામણીએ, વર્ષ 2018-19માં 500 રૂપિયાની નોટોની સંખ્યા વધીને 2151 કરોડ થઈ ગઈ છે.