સંજય દત્ત પોતાની સેકન્ડ ઈનિંગને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, સંજય દત્તની એક પછી એક ફિલ્મ્સ ફ્લોપ જઈ રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી ‘પ્રસ્થાનમ’ પણ સુપરફ્લોપ રહી હતી. ફિલ્મ્સ ફ્લોપ જવાને કારણે સંજય દત્તની ફી પર અસર પડી છે. ‘પ્રસ્થાનમ’ પહેલાં સંજય દત્ત એક ફિલ્મ માટે આઠ કરોડ રૂપિયા લેતો હતો પરંતુ હવે, તેને પાંચ કરોડ જ મળી રહ્યાં છે. જાણીતા નાટક ‘જિન લાહોર નહીં વેખ્યા ઓ જનમ્યાઈ નઈ’ પર આધારિત ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ સંજયને ઓફર થયો છે. સંજય દત્ત આ ફિલ્મ માટે આઠ કરોડ માગી રહ્યો છે પરંતુ મેકર્સ પાંચ કરોડથી વધુ આપવા તૈયાર નથી. હાલમાં ફીને લઈ વાત અટકી પડી છે.
સંજય દત્તને આ પ્રોજેક્ટ ઘણો જ પસંદ આવ્યો છે અને ચર્ચા છે કે તે ફી સાથે સમાધાન કરી લેશે. ઉલ્લેખનીય છે કે નાટક ‘જિન લાહોર નહીં વેખ્યા ઓ જનમ્યાઈ નઈ’ જાણીતા નાટ્યકાર અસગર વજાહતે લખ્યું છે. આ નાટક ભારત-પાકિસ્તાનના ભાગલા સમયનું છે. વિભાજન બાદ એક પરિવાર લખનઉથી લાહોર આવે છે અને અહીંયા રેફ્યૂજી કેમ્પમાં રહે છે અને પછી આ પરિવારને ૨૨ રૂમની હવેલી આપવામાં આવે છે. આ હવેલીમાં પહેલેથી એક વૃદ્ધ સ્ત્રી રહેતી હોય છે. પરિવાર તથા વૃદ્ધ સ્ત્રી એકબીજાને પસંદ કરતા નથી પરંતુ સમય સંજોગો એવા બને છે કે બંને વચ્ચે એક સંબંધ બંધાય છે.