ફટાકડા બજારમાં ગ્રાહકીની નથી, માલ ઓછો અને ભાવ વધુ, કારણ આ રહ્યા

દિવાળીની ઉજવણી માટે તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પણ તહેવાર પહેલાં ફટાકડાં બજારમાં જોઈએ તેવી ઘરાકી નીકળી નથી. હાલ વેપારીઓની સ્થિતિ માખી મારતા રહેવા જેવી બની ગઈ છે.  આનું મુખ્ય કારણ ફટાકડાંનાં ઉત્પાદનબજાર શિવાકાશીમાં સતત ચાર મહિના ચાલેલી હડતાળ બાદ એનવાયરમેન્ટ ફ્રેન્‌ડલીના ચલણને કારણે આ વર્ષે ફટાકડાંની કિંમતોમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળશે. દિવાળીના તહેવારોને હવે માંડ દસ દિવસ બાકી રહ્યાં છે. છતાં કપડાં બજાર, મીઠાઈના વેપારીઓ અને ફટાકડાં બજારમાં હજુ સુધી ખરીદીનો માહોલ જામ્યો નથી.

અલબત જ્યાં સુંધી ફટાકડાં બજારની વાત છે. આ અંગે અમદાવાદનાં અગ્રણી ફટાકડાં વિક્રેતાઓ કહે છે કે હજુ ઘરાકી શરૂ થઈ નથી. ફટાકડાંનાં રિટેઇલ માર્કેટમાં પણ ચહલપહલ દેખાઈ રહી નથી. ફટાકડાના હોલસેલ વેપારીના જણાવ્યા મુજબ ’ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફટાકડાંની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો થશે.’ ફટાકડાંની કિંમતોનાં ભાવવધારા અંગે વેપારી કહે છે કે, ’ગયા વર્ષે દિવાળી બાદ સરકાર દ્વારા એનવાયરમેન્ટ ફ્રેન્‌ડલી ફટાકડાંનું ઉત્પાદન અને વેચાણ કરવા સરકાર દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે સરકાર અને ફટાકડાં ઉત્પાદકોમાં મતમતાંતર હોવાને કારણે ગઈ દિવાળી પછી ફટાકડાંના મુખ્ય ઉત્પાદક શહેર શિવાકાશીમાં ફટાકડાંની ફેકટરીઓ ચાર મહિના સુંધી બંધ રહી હતી. જે મુદ્દે છેવટે સહમતી સધાયા બાદ ઉત્પાદન શરૂ કરાયું હતું.

જેથી આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ફટાકડાં નું ઉત્પાદન ઓછું થયું છે. પરિણામે ફટાકડાંની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય ઓછો રહેશે. જેથી ફટાકડાંનાં ભાવમાં વધારો થશે. વળી સરકારના નિયમો મુજબના એનવાયરમેન્ટ ફ્રેન્‌ડલી ફટાકડાં (ગ્રીન ક્રેકર્સ) અગાઉના ફટાકડાં કરતાં પ્રમાણમાં મોંઘા છે. ગ્રીન ક્રેકર્સમાં ઓછો ધુમાડો થાય તે પ્રકારના કેમિકલ્સ વાપરવા પડે છે. વળી, આ ફટાકડાંમાં ઓછો ધુમાડો થાય છે જેથી પર્યાવરણને ઓછાં નુકસાનકારક છે. અલબત આ કારણોસર ગ્રીન ક્રેકર્સની કિંમત સામાન્ય ફટાકડાં કરતાં 15 થી 20 ટકા જેટલી વધી જાય છે. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે ફટાકડાં વધુ મોંઘા થશે એ વાત નક્કી છે.