ચીને તાજેતરમાં સોલોમન ટાપુઓ પરના એક દ્વીપને પંચોતેર વર્ષ માટે લીઝ પર લેતાં અમેરિકા ચોંકી ઊઠ્યું હતું. હાલ અમેરિકા અને ચીન વચ્ચે શીત વિગ્રહ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
થોડા સમય પહેલાંજ ચીન અને સોલોમન ટાપુઓએ પરસ્પર વ્યૂહાત્મક સંબંધોનો આરંભ કર્યો હતો. એના થોડા સમય અગાઉ સોલોમન પેસિફિક વિસ્તારમાં તાઇવાનના મુખ્ય સાથી-સહયોગીઓમાં એક હતો.
જો કે મીંઢા ચીને આ બાબતમાં કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી એ સૂચક ઘટના છે. તુલાગી નામનો આ દ્વીપ બ્રિટન અને જાપાનનું સધર્ન પેસિફિક વિસ્તારનું વડું મથક રહી ચૂક્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એના ઊંડા પાણીએ લશ્કરી દ્રષ્ટિએ એને મહત્ત્વના શસ્ત્ર જેવો બનાવી દીધો હતો. હવે ચીને લશ્કીર દ્રષ્ટિએ મહત્ત્વના આ દ્વીપને લીઝ પર લઇને અમેરિકાની નીંદર વેરણ કરી દીધી હતી.
એક રિપોર્ટ મુજબ ગયા મહિને સોલોમન આયલેન્ડ અને ચીનના સરકારી અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકના પગલે ચીનના સામ્યવાદી પક્ષ સાથે જોડાયેલી એક કંપનીએ તુલાગી ટાપુ અને એની આસપાસના વિસ્તારોનાં ‘વિકાસ કાર્યો માટે’ આ દ્વીપને લીઝ પર લીધો હતો.