સુપ્રીમમાં નકશા ફાડવામાં આવ્યા તે પુસ્તક ક્યું ?

સુપ્રીમ કોર્ટમાં બુધવારે અયોધ્યા મામલામાં અંતિમ સુનાવણી દરમિયાન તીખી દલીલો જોવા મળી હતી. સુનાવણી દરમિયાન હિન્દૂ મહાસભા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ શરૂ કરી તો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સાથે જોરદાર ચડભડ થઈ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વિકાસ સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલા નકશાને પણ ફાડીને તેને પાંચ ટુકડા કરી નાખ્યા હતા. આ નકશા પૂર્વ આઈપીએસ કિશોર કુણાલના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડના હતા. જેમાં મંદિરને લઈને ચોંકાવનારા દાવા થયા છે.

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે નકશાને પૂર્વ આઈપીએસ કિશોર કુણાલના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડમાંથી અદાલતમાં રજૂ કર્યો હતો. આ કિતાબ 2016મા પ્રકાશિત થઈ હતી. જેમાં લખવામાં આવ્યું છે કે અયોધ્યા સ્થિત રામમંદિરને 1528મા મીર બાકીએ નહી પણ 1660મા ઓરંગઝેબના સંબંધી ફિદાઈ ખાને ધ્વસ્ત કર્યું હતું.

કિતાબમાં કહેવામાં આવ્યું’ છે કે બાબર એક ઉદાર શાસક હતો અને બાબરી મસ્જિદના નિર્માણમાં તેની કોઈ ભૂમિકા નથી. અયોધ્યામાં માત્ર એક પુરાવો હતો જેનાથી સાબિત થતું હતુંકે મંદિરને બાબરના નિર્દેશ બાદ મીર બાકીએ તોડયું હતું. આ પુરાવો હતા બે શિલાલેખ છે. જો કે પુસ્તકમાં મીર બાકીથી જોડાયેલા પુરાવા ખોટા હોવાનું કહેવામાં આવ્યું છે.

કિશોર કુણાલના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે એવા પર્યાપ્ત પુરાવા છે જેનાથી સાબિત થાય છે કે વિવાદીત’ જગ્યાએ રામમંદિર હતું. બુકાનનના રેકોર્ડસ પ્રમાણે ઓરંગઝેબના શાસનકાળમાં અયોધ્યા, કાશી અને મથુરાના મંદિરો તોડવામાં આવ્યા હતા. વકીલ વિકાસ સિંહે અદાલતમાં પુસ્તકને રેકોર્ડ તરીકે સ્વિકારવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કિતાબમાં ત્રણ નકશા છે જ્યાં જન્મસ્થળની સાચી જગ્યા અંકિત છે.