ગુજરાતમાં રેકોર્ડબ્રેક પાક, સૌરાષ્ટ્રના માર્કેટ મગફળીથી છલોછલ, ધડામ કરીને ભાવ તૂટ્યાં

ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક પાક થવાનો પૂરાવો આપતી આવક સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સોમવારે થઇ હતી. વરસાદ અટક્યાને હજુ આઠેક દિવસનો સમય થયો છે ત્યાં ખેડૂતો માલ ઠાલવવા લાગતા સવા બે લાખ ગુણી મગફળી ગુજરાતભરમાં આવી પડી હતી. સીઝનના આરંભના દિવસોમાં આવકનો આટલો પ્રવાહ ક્યારેય સર્જાયો નહીં હોવાથી સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટ યાર્ડો મગફળીથી છલોછલ થઇ ગયા હતા. મગફળીના ભાવ પણ આવકના પ્રભાવથી તૂટયાં હતા.

રવિવારની રજા પછી સોમવારે સૌરાષ્ટ્રમાં સવા લાખ ગુણી અને ગુજરાત તરફ એકાદ લાખ ગુણીની હોબેશ આવક હતી. રાજકોટમાં લગભગ 32 હજાર ગુણી આવક હતી. રવિવારે આવેલી 16-17 હજાર ગુણી ઉમેરતા 48 હજાર ગુણી આવી પડી હતી. એ જ ઢબે ગોંડલ યાર્ડમાં 66000 ગુણી આવી હતી. બન્ને યાર્ડમાં કુલ મળીને 40 હજાર ગુણી પડતર છે.

રાજકોટ યાર્ડમાં મંગળવાર સવારે આઠ વાગ્યે આવકો નવી સૂચના સુધી બંધ કરી દેવામાં આવશે. ગોંડલમાં જગ્યાનો પ્રશ્ન હજુ નડતરરુપ ન હોય આવક ચાલુ છે. જોકે બે દિવસ આવકો વધુ રહે તો ત્યાં’ પણ આવક બંધ કરવાની નોબત આવી શકે છે. ચાલુ વર્ષે ઉત્પાદન 32થી 35 લાખ ટન વચ્ચે થવાના અંદાજો હોવાથી ડિસેમ્બર સુધી મબલક આવકો થશે અને ભાવ પણ તૂટશે.

મહારાષ્ટ્રમાં સીંગદાણાની માગથી મગફળીનો ભાવ ગયા અઠવાડિયે રાજકોટ-ગોંડલમાં મણે રૂ. 1500-1600 સુધી ગયો હતો. જોકે સોમવારે આવકના પૂરમાં ભાવ તણાઇ ગયો હતો. બન્ને યાર્ડમાં ઝીણી રૂ. 800-1200 અને જાડી રૂ. 800-1050 સુધી વેચાઇ હતી. ભાવ ઉપલા સ્તરેથી તીવ્ર વેગથી તૂટયાં છે.

ઉત્તર ગુજરાતમાં ય હોબેશ આવક હતી. ડિસામાં 35 હજાર ગુણી, પાથાવાડામાં 15 અને પાલનપુરમાં 7 હજાર ગુણી આવી હતી. સૌરાષ્ટ્રમાં મહુવા ખાતે 6, જૂનાગઢ અને કાલાવડમાં 5-5 હજાર ગુણી, સાવરકુંડલા અને વીસાવદરમાં 2200 ગુણી, જામજોધપુરમાં 3000 ગુણી, જેતપુરમાં 2500 ગુણી અને કોડીનારમાં 2500 ગુણીની આવક મુખ્ય હતી.

વેપારીઓએ કહ્યું કે, સતત વરસાદને લીધે આવકો 20-25 દિવસ મોડી પડી ચૂકી હતી. ભાદરવા જેવા તાપ પડવાનું શરું થતા હવે ખેડૂતો ફટાફટ માલ કાઢીને ઉંચો ભાવ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા આવતા મહિનાથી મગફળીની ખરીદી થવાની છે એ પૂર્વે ભેજ અને ભાવનો લાભ લેવા માટે ખેડૂતો માર્કેટ યાર્ડોમાં માલ ઠાલવવા માંડયા છે.

નાફેડને વેંચવા માટે આશરે પાંચેક લાખ ખેડૂતોએ ગુજરાતમાં નોંધણી કરાવી છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી સરકાર 2500 કિલોની મર્યાદામાં મગફળી ખરીદશે. આઠ લાખ ટનનું લક્ષ્યાંક છે. લાભપાંચમે ખરીદીનો આરંભ થાય એ પૂર્વે ખેડૂતો નાણાની જરુરિયાત સંતોષવા માટે માલ વેંચી રહ્યા છે.