મોરબી: માત્ર 45 સેકન્ડમાં આરોપી ફરાર, પોલીસે જ મદદ કરી, ચાર પોલીસવાળાની ધરપકડ

મોરબીના કુખ્યાત મુસ્તાક મીર સહિત બે વ્યકિતની હત્યા કરનાર નામચીન હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભા ઝાલા નામનો આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીને મોરબી કોર્ટમાં મુદ્દત હોવાથી અમદાવાદથી મોરબી તરફ પોલીસ જાપ્તા સાથે લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે જ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ એક હોટલ પાસેથી આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા અન્ય કારમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવાં પામી છે. આ આરોપી માત્ર 45 સેકન્ડમાં જ ફરાર થઇ ગયો હતો.

આરોપીને મોરબી કોર્ટની મુદતે લઇ જવાતો હતો ત્યારે હોટેલ ઉપર કાર લઇને આવેલા ઓળખીતાને મળવા જવાનું કહેતા પોલીસે આવા કુખ્યાત આરોપીને હાથકડી વગર એકલો જ જવા દીધો હતો. આરોપી ભાગી ગયા બાદ એક મિનિટ પછી પોલીસે તેનો પીછો કર્યો હતો. ડીએસપી મહેન્દ્રકુમાર બગડિયાની સૂચનાથી પોલીસે જિલ્લાનાં તમામ રસ્તાઓ ઉપર નાકાબંધીના આદેશો આપ્યા હતા.

સુરેન્દ્રનગરથી પોલીસે આરોપીને લઇને ફરાર થયેલી કાર તથા ચાલક રોહિત જોષીની ધરપકડ કરી છે. કારમાંથી આરોપીને ઉતારી દીધા બાદ કારચાલક જતો હતો ત્યારે જ તે ઝડપાયો હતો.

આ ઘટનામાં આરોપીને ભાગી જવામાં મદદગારી કરવા અને બેદરકારી બદલ પીએસઆઇ હર્ષપાલસિંહ જેનાવત સહિત ચાર પોલીસ કર્મીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.