ડોન દાઉદના ખાસ ઈકબાલ મીર્ચીની બિલ્ડીંગમાં પ્રફુલ પટેલનો ફ્લેટ, ઈડીએ મોકલ્યું સમન્સ

એનસીપીના નેતા અને યુપીએ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચુકેલા પ્રુફલ પટેલની કંપનીએ મોસ્ટ વોન્ટેડ આરોપી ડોન દાઉદ ઈબ્રાહિમના નિકટના સાથીદાર ઈકબાલ મીર્ચીની બિલ્ડીંગમાં ફ્લેટ હોવાના કારણે ઈડીએ આજે પ્રફુલ પટેલને સમન્સ મોકલ્યું છે. સમન્સની જાણકારી બાદ ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માથે છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના નેતા પ્રફુલ્લ પટેલ પર આ ડીલ કરવાનો ઈડી(એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા આરોપ મુકાયો છે.

મીર્ચીના નામથી કુખ્યાત ઈકબાલ મેમણ સાથે પ્રફુલ પટેલના પરિવારની કંપની મિલેનિયમ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ઈકબાલ મેમણના પરિવાર વચ્ચે થયેલા એગ્રીમેન્ટની ઈડી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
ઈકબાલ મેમણ ઉર્ફે મીર્ચી અત્યારે હયાત નથી પણ સુત્રોનુ કહેવુ છે ક, પટેલ પરિવારની કંપનીને ઈકબાલના પરિવાર તરફથી વરલી વિસ્તારમાં પ્રાઈમ લોકેશન પર એક પ્લોટ અપાયો છે. જેના પર પ્રફુલ પટેલની કંપનીએ 15 માળનુ એક બિલ્ડિંગ બનાવ્યુ છે.

ઈડી દ્વારા આ સંદર્ભમાં મુંબઈથી બેંગ્લોર સુધી 11 લોકેશન પર દરોડા પાડીને કેટલાક દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. સાથે સાથે 18 લોકોના નિવેદન પણ લેવાયા છે. જે દસ્તાવેજો કબ્જે કરાયા છે તેમાં એક દસ્તાવેજ પ્રમાણે પ્રફુલ્લ પટેલની કંપનીએ જે પ્લોટ પર બિલ્ડિંગ બનાવ્યુ છે તે પ્લોટ પહેલા ઈકબાલની પત્ની હજરા મેમણના નામે હતો.

ઈડીએ દાવો કર્યો છે કે, બંને પરિવારો વચ્ચે થયેલી ડીલ પ્રમાણે આ બિલ્ડિંગના બે ફ્લોર મેમણ પરિવારને અપાયા છે. જેની કિંમત અંદાજે 200 કરોડ થવા જાય છે. આ પૂરાવાના આધારે પટેલ પરિવાર અને મેમણ પરિવારના સભ્યોને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.