શેલ્બી હોસ્પિટલના અનોખા ગરબા: ઘુંટણ, થાપા, કમરની સર્જરી કરાવનારા સુરતના 150થી વધુ દર્દીઓ ગરબે ઘૂમ્યા

રાંદેર રોડ ખાતેની શેલ્બી હોસ્પિટલ દ્વારા રાત્રી આફટર નવરાત્રી ‘હેપ્પી ફીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, થાપાની  સર્જરી, કમરની સર્જરી કરાવી ચૂકેલા 150થી વધુ દર્દીઓ ગરબે ઘૂમ્યા હતા.

આ અંગે શેલ્બી હોસ્પિટલના ચેરમેન ડો. વિક્રમ શાહ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર, ડો.વિરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે ઘુંટણ, થાપા જેવી જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને કમરની સર્જરી કર્યા બાદ દર્દીઓ નાચી-કૂદી નથી શકતા પરંતુ શેલ્બી હોસ્પિટલ ખાતે ઝીરો ટેકનીકથી આ પ્રકારની સર્જરી કરવામાં આવતી હોવાથી દર્દીઓ પહેલાની જેમ સામાન્ય જીવન જીવી શકે છે.

ઝીરો ટેકનીકથી કરવામાં આવેલા ઓપરેશનથી દર્દી બે જ કલાકમાં ચાલતો થઈ જાય છે. ત્યારે આવા દર્દીઓનો ઉત્સાહ વધે અને આ પ્ર¬કારની બીમારીથી પીડાતા અન્ય દર્દીઓને પણ પ્રેરણા મળે તે માટે હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પહેલી જ વખત ઘુંટણ, થાપા અને કમરની સર્જરી કરાવી ચુકેલા દર્દીઓ માટે રાત્રી આફટર નવરાત્રી ‘હેપ્પી ફિટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગરબાના આ આયોજનમાં કોઈ પ્રકારની તકલીફ કે સમસ્યા વગર 150થી વધુ દર્દીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે O ટેકનીકની શોધ ડો. વિક્રમ શાહે કરી છે અને તેણે અત્યાર સુધીમાં 1,00,000 થી વધુ કેસ ઓપરેટ કર્યા છે.