4G ભૂલી જાઓ, હવે આવી રહ્યું છે 5G: મોબાઈલ ઈન્ટરનેટ ચાલશે બૂલેટ ટ્રેનની સ્પીડે

ઈન્ડીયા મોબાઇલ કોંગ્રેસ-2019ને સંબોધન કરતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે સરકારે કેટલીક કંપનીઓને 5-જી ટ્રાયલ માટે મંજૂરી આપી છે. આ સિવાય સરકાર ટેકનોલોજી પર પણ ધ્યાન આપી રહી છે. રવિશંકર પ્રસાદે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2019 માં બોલતા કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેટા ઉત્પન્ન કરી રહ્યો છે અને હું ખૂબ જ ઉત્સુક છું કે ભારત ડેટા એનાલિટિક્સ માટે એક મોટું કેન્દ્ર બને.

તેમણે કહ્યું કે 2014માં અમારી પાસે માત્ર બે મોબાઇલ ઉત્પાદક કંપનીઓ હતી, પરંતુ હવે અમારી પાસે 268 મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે. તેમાંથી કેટલીક વિશ્વની સૌથી મોટી કંપનીઓ પણ છે. ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ સામાન્ય લોકોની ચર્ચા, વહેંચણી અને સશક્તિકરણ માટેનું પ્લેટફોર્મ પણ છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં 1.18 અબજ ફોન વપરાશકારો અને 63 કરોડ ઇન્ટરનેટ વપરાશકારો છે. આ ઉપરાંત, 1.24 અબજ લોકોની પાસે આધાર કાર્ડ છે.

તેમણે કહ્યું કે તેઓ ખુશ છે કે યુ.એસ., યુકે અને ઓસ્ટ્રેલિયાએ પણ એવી જ ચિંતા વ્યક્ત કરી છે કે ભારતે સોશિયલ મીડિયા દ્વારા એન્ક્રિપ્ટેડ સંદેશાઓની શોધ અંગે ઉભી કરી હતી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે ગ્રામીણ ભારતે જે રીતે ડિજિટલ ટેકનોલોજીને સ્વીકારી છે તે મારા માટે ખૂબ જ આશ્વાસનકારક છે. આ મહત્વાકાંક્ષી ગ્રામીણ ભારત ડિજિટલ ટેકનિકની સાથે સાથે વ્યવસાય અને વિકાસને આગળ વધારી રહ્યું છે.