બાળ લગ્ન કરવા માટે બાળાની સોદેબાજી: બનાસકાંઠાના દાંતાના ખેરમાળમાં 13 વર્ષની બાળાના લગ્ન

બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે નાણાંના બદલામાં માત્ર તેર વર્ષની કિશોરીના બારોબાર લગ્ન કરાવ્યાનો બનાવ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને પૈસા લઇને બાળલગ્ન કરાવી આપવાની સોદાબાજી સામે આવતાં અને કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં તંત્ર પણ દોડતુ થયુ હતુ. છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો પણ વીડિયોમાં કેદ થઈ છે.

સગીર કન્યાના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું ખૂલતાં હવે તંત્રએ પણ સમગ્ર મામલે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. દાંતા તાલુકાના ખેરમાળમાં લગ્ન માટે કિશોરીની સોદાબાજી થઈ હતી. જેમાં પૈસા લઈ બાળલગ્ન કરી આપી ચોંકાવનારી સોદાબાજી સામે આવી છે. રેશનકાર્ડમાં દર્શાવેલી વિગત મુજબ, ખેરમાળ ગામે એક ગરીબ પરિવારમાં તેર વર્ષીય સગીરા છે. જન્મતારીખના પત્ર મુજબ,આજે ૧૫ વર્ષની ઉંમરે પહોંચી હતી. આ સગીર છોકરીના પૈસાના બદલામાં એક યુવક સાથે બોરાબાર લગ્નની સોદાબાજી થઈ હોવાના તસવીરો અને વીડિયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.

લગ્નની સોદાબાજી નક્કી કરી ખાતરી કરાવવા માટે લગ્ન ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવી બાંહેધરી પણ વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ આપતી જણાય છે. રેશનકાર્ડ, લગ્નની તસવીર અને વીડિયો તેમજ અન્ય એક સોદાબાજીનો વીડિયો સહિતની વિગતોથી બાળ લગ્ન થયાનો મોટો ઘટસ્ફોટ થતાં સ્થાનિક તંત્ર પણ દોડતુ થયુ હતુ.

દરમિયાન બનાસકાંઠા જિલ્લા પંચાયતની દાંતા બેઠકના સદસ્ય એસ.એમ તરાલના પુત્ર અશ્વિન તરાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ બાળલગ્નનો સોદો થયો છે. ગામના સરપંચે મને ઘટનાની જાણ કરી હતી. વચેટીયા આવા સોદા કરાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તંત્ર કાયદાનુસાર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.