ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મહારાષ્ટ્રના થાણેમાં એક ચૂંટણી પ્રચાર માટે યોજેલી એક સભાને સંબોધતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મત આપવાનો અર્થ છે કે ‘પાકિસ્તાન પર પરમાણુ બોમ્બ ફેંકવો.’ જનતાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ના મોટાભાગની જોગવાઈઓ નાબુદ કર્યા બાદ દેશમાં યોજાનારી પહેલી ચૂંટણી છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાાં ભાયંદર વિધાનસભા વિસ્તારથી ભાજપા ઉમેદવાર નરેન્દ્ર મહેતાની ચૂંટણી પ્રચારની સભાને સંબોધી રહેલા મૌર્યએ કહ્યું કે ‘કમળ પર બટન દબાવવાથી તમે ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મેહતાને જ વોટ આપશો એવું નથી પરંતુ તેનો અર્થ એ થશે કે તમે પાકિસ્તાન પર પરમાણુ બોમ્બ ફેંક્યો છે.’ ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વ આ બે રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર નજર ટકાવીને બેઠા છે કારણકે આ ભારતીયોની સાચી દેશભક્તિનો સંકેત છે.’