રાજકોટ: દાદી સાથે પરત ફરી રહેલી આઠ વર્ષની બાળાનું અપહરણ,આચર્યું દુષ્કર્મ, નરાધમ બાબુ પાંજરે પુરાયો

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં માસુમ બાળા સાથે બળાત્કારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. ગરબા રમીને દાદી સાથે ઘરે પરત ફરી રહેલી બાળાનું બાઈક પર અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાના રાજકોટમાં તીવ્ર પડઘા પડ્યા છે. જોકે, ગણતરીના ક્લાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળીયા પાછળ દીધો છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઇ છે.

પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે શરદ પૂર્ણિમા હતી અને આઠ વર્ષની બાળા ગરબા રમવા માટે દાદી સાથે ગઈ હતી. ગરબે ઘૂમીને દાદી સાથે પરત ફરી રહેલી માસુમ બાળાનું બાઇક પર ઘરે પહોંચાડવાના બહાને બાબુ બાંભવા નામના શખ્સે અપહરણ કર્યું હતું. બાળાને નિર્જન સ્થળે લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાળાને તરછોડીને નાસી છૂટ્યો હતો.

આ ચકચારી ઘટના બન્યા બાદ ત્યાંથી પસાર થઈ રહેલા દંપતીએ બાળાને રડતી જોઈ અને દંપતિએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

નરાધમ બાબુએ બાળાનું અપહરણ કર્યું તે ઘટના સીસીટીવીમાં આબાદ ઝડપાઈ ગઈ હતી. પોલીસે પંદર જુદી જુદી ટીમો બનાવી આખી રાતની જહેમત બાદ આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બાઇક અને દારૂ તેમજ  ચોરી સહિત સાત કેસમાં બાબુ બાંભવા સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે.