અમદાવાદ: સાધુ બનેલા પુત્રને માતા-પિતાની જવાબદારી નિભાવવા કોર્ટે કર્યો આવો આદેશ, જાણો વધુ

જો કોઈ સાધુ બનીને પોતાની સાંસરિક જવાબદારીઓમાંથી છૂટકારો મેળવવા માંગતો હોય, તો તે માતાપિતાની જવાબદારીઓ નિભાવવામાં મુક્ત થઈ શકતો નથી. હા, આવો જ કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે.  જ્યાં ફેમિલી કોર્ટે સન્યાસી બનેલી વ્યક્તિને માતાપિતાને ભરણ-પોષણ માટે દર મહિને 10,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સાધુ બનેલા પુત્રને માતાપિતાની જવાબદારી સંભાળવાનો નિર્દેશ આપતાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘પુત્ર તરીકે, તેના માતાપિતાની સંભાળ તેની જવાબદારી છે અને તે આ જવાબદારીમાંથી છટકી શકે નહીં.’

ધર્મેશે 2015 નોકરી છોડી દીધી હતી

ધર્મેશ ગોલે (27) પ્રખ્યાત નેશનલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPMR)માંથી ફાર્મસીમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી છે. જૂન, 2015 માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ધર્મેશ મુખ્ય કોર્પોરેટ નોકરી છોડીને સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.

ઈસ્કોન સાથે જોડાણ

ધર્મેશ ઇસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શસનેસ)ની પ્રવૃત્તિઓમાં સક્રિય થયો. આ સાથે તેમણે ઇસ્કોનના એનજીઓ અક્ષયપત્ર, ટચસ્ટોન અને અન્નપૂર્ણા માટે પણ કામ કરવાનું શરૂ કર્યું. ધર્મેશે તેના પિતા લીલાભાઇ (64) અને માતા ભીખીબેન (55) સાથે નાતો તોડી નાંખ્યો. જ્યારે ધર્મેશની કોઈ ભાળ ન મળી તો પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. પુત્ર ધર્મેશ દ્વારા ઘરે પાછા ફરવાનો ઇનકાર કરવામાં આવ્યા બાદ પરિવારે 50,000 રૂપિયાના ભરણપોષણ માટે અમદાવાદ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

ધર્મેશના અભ્યાસ પાછળ થયો હતો 35 લાખનો ખર્ચ

સંબંધીઓએ કોર્ટને કહ્યું કે તેઓ શારિરીક રીતે અક્ષમ છે અને આવકનો કોઈ સ્રોત નથી. ધર્મેશના પિતાને સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયાને ચાર વર્ષ થયા છે. અદાલતમાં પરિવારના સભ્યોએ કહ્યું કે તેઓએ તેમની આખી બચત તેમના પુત્રના શિક્ષણ પર ખર્ચ કરી છે અને તેમના જીવનના આ તબક્કામાં તેમને પુત્ર પાસેથી વધુ અપેક્ષાઓ છે. પરિવારના દાવા મુજબ ધર્મેશના અભ્યાસ પાછળ 35 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

ધર્મેશે 60 હજારની નોકરીની ઓફર નામંજૂર કરી

પરિવારે કોર્ટને જણાવ્યું હતું કે, શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ધર્મેશે 60 હજાર રૂપિયાની નોકરીની ઓફર નામંજૂર કરી અને ધાર્મિક સંગઠન સાથે સંકળાયેલા એનજીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું. તે અનેક સંસ્થાઓમાં પ્રવચન આપે છે અને સંસ્થા માટે ફંડ ઉભું કરવાના કાર્યમાં સામેલ છે.

પરિવારના જણાવ્યા મુજબ ધર્મેશ એક લાખ રૂપિયા કમાય છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ધર્મેશે તેના માતા-પિતાને કોઈ કારણ વિના છોડી દીધા છે. બંને વૃદ્ધ લોકો લાચાર સ્થિતિમાં છે, કેમ કે દીકરાએ તેમની સંભાળ માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી.

10 હજાર રૂપિયા માસિક ભથ્થાનો ઓર્ડર

કોર્ટે કહ્યું કે માતા-પિતાએ ખૂબ જ મુશ્કેલીથી બાળકની સંભાળ રાખી અને તેની જરૂરિયાતોની સંભાળ રાખી. કોર્ટે વધુમાં કહ્યું કે, “ન્યાયનો સિદ્ધાંત એ છે કે પુત્રએ કમાણી કર્યા પછી તેના પરિવારની સંભાળ લેવી જોઈએ.” કોર્ટે ધર્મેશની લઘુતમ આવકને 3૦થી 35 હજાર માસિક ગણાવી માતા-પિતાને દર મહિને 10 હજાર રૂપિયાનું ભરણ-પોષણનું ભથ્થું આપવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, “ભથ્થાની રકમ એટલી મોટી ન થવી જોઈએ કે જેનાથી ભથ્થાની રકમ પુત્ર માટે સજા બની જાય અને એટલી ઓછી રકમ પણ ન હોવી જોઈએ કે જેથી કરીને પરિવાર પોતાનું ભરણ-પોષણ કરી ન શકે. જોકે, 10,000 રૂપિયાના મેન્ટેનન્સ ભથ્થાથી પરિવાર સંતુષ્ટ નથી. પિતા લીલાભાઇ કહે છે કે, તેઓ ભથ્થાની રકમમાં વધારો કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરશે.