ભારતમાં નાપાક ઘૂસણખોરી માટે કુખ્યાત હારામીનાળા વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળની ખાસ ઓપરેશન પાર્ટીએ એક સાથે પાંચ પાકિસ્તાની બોટને ઝડપી લેતાં ભારે ચકચાર જાગી છે. બિનવારસી આ બોટ પ્રાથમિક નજરે માછીમારી માટેની હોવાનું જણાઇ રહ્યું હોવા છતાં સીમા દળે આ દુર્ગમ અને કાદવ-કીચડભર્યા વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સીમા દળના ગાંધીનગર સ્થિત ફ્રન્ટીયર વડામથકેથી બહાર પડાયેલી એક યાદી મુજબ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં 10.45 વાગ્યાના અરસામાં એક સાથે પાંચ બોટ ઝડપી લેવાઇ હતી. રાબેતા મુજબ રાતના અંધારામાં પાકિસ્તાની માછીમારો નાસી ગયા હતા.આખા વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ સંદર્ભમાં સીમા દળના ઉચ્ચ વર્તુળોનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભારતીય માછીમારોને જવાની મનાઇ કરાઇ છે. આમ ત્યાં જે કોઇ બોટનો અણસાર કળાય તે પાકિસ્તાની હોય તેમાં કોઇ શંકા રહેતી હોતી નથી.
હવે ચોમાસું વિદાય લઇ રહ્યું છે તેની સાથે દરિયા અને સરક્રીકનાં પાણી પણ શાંત થવા લાગ્યાં છે. આ મોસમની સાથે માછીમારીનો આરંભ થતો રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની આવન-જાવન થઇ રહી હોવાના એંધાણ મળતાં સીમા દળ સાબદું બન્યું હતું. આ સંદર્ભની ચોક્કસ માહિતી મળતાં 1175 બોર્ડર પિલર ખાતેની ચોકી હસ્તકની ટુકડીઓએ ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તેમને સફળતા સાંપડી હતી. આ સફળતાને પગલે સીમા દળે આખા વિસ્તારમાં વ્યાપકપણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સીમા દળ આગામી સમયમાં આ વિસ્તારમાં જાપ્તો વધારશે એમ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ અગાઉ હરામીનાળામાં પાકિસ્તાની માછીમારીનું પ્રમાણ બેરોકટોક રીતે વધી ગયું હતું ત્યારે સીમા દળે તેને નાથવા માટે ગોળીબાર સહિતનાં આકરાં પગલાં લીધાં હતાં. આવનારા દિવસોમાં આવી કાર્યવાહી હાથ ધરાશે એવી શક્યતાને વર્તુળો નકારતા નથી. આ માટે આદેશ આપવાની સત્તા કચ્છના સેક્ટર પાસે હોવાનું પણ વર્તુળોએ જણાવ્યું હતું.
ભારે છીછરાં પાણી ધરાવતી હરામીનાળાને લગતી સરક્રીકોમાં બોટ વાટે પેટ્રોલીંગ સાવ અશક્ય બની જતું હોય છે ત્યારે તેવી પડકારભરી સ્થિતિમાં કીચડમાં પગપાળા પેટ્રોલીંગ પણ હાથ ધરવું પડતું હોવાનું વર્તુળોએ ઉમેર્યું હતું.