ભાજપના ધારસભ્ય વિવેક પટેલ ઉદ્વધાટન કરવા પહોંચ્યા અને હોટલની માલિકીને લઈ થઈ મોટી બબાલ

સુરતની ઉધના વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વિવેક પટેલે આજે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઉધના ખાતે આવેલી સોનલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધારાસભ્ય વિવેક પટેલ હોટલનું ઉદ્વધાટન કરવા પહોંચ્યા હતા, ત્યારે હોટલની માલિકીને લઈ બે પક્ષો વચ્ચેનો બખેડો સામે આવ્યો હતો અને મહિલા તથા પુરુષ દ્વારા ઉદ્વધાટનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સોનલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિશાલ ટીફીન હાઉસ નામની હોટલનું ઉદ્વઘાટન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય વિવેક પટેલ અને આત્મારામ જાદવ હાજર રહ્યા હતા. બન્ને હસ્તક ઉદ્વઘાટન કરવાની વિધિ કરવામાં આવનાર હતી પરંતુ અચાનક મહિલા અને પુરુષ દ્વારા હોટલની માલિકીને લઈ વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં મહિલા અને પુરુષ હોટલની જમીનની માલિકી પોતાની હોવાનું જણાવી ભાજપના ધારાસભ્યને ઉદ્વઘાટન કરવા કેમ આવ્યા તેમ કહી અટકાવી રહ્યા છે અને પોતે ભાજપમાં જ સમર્થક હોવાનું કહી રહ્યા છે. ફિક્સમાં મૂકાયેલા ભાજપના ધારાસભ્ય વિવેક પટેલ અને તેમના સમર્થકોમાં ઘટનાથી સોપો પડી ગયો હતો.

આ સ્થિતિમાં હોટલની માલિકી બતાવનારા પુરુષે સુરત કન્ટ્રોલમાં ફોન કરતાં પોલીસ પણ હોટલ પર પહોંચી ગઈ હતી. ધારાસભ્યની હાજરીમાં બે માલિકો વચ્ચે બબાલ થઈ હતી. રજૂઆત કરનાર ફરીયાદી વીડિયોમાં કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાનું પણ જણાવી રહ્યો છે.

ચર્ચા છે કે ભાજપની વરવી જૂથબંધીનો વિવેક પટેલ ભોગ બન્યા છે, ભાજપમાં હાલ બે જૂથો વચ્ચે ચડસાચડસીનો ખેલ ચાલી રહ્યો છે. અંતે સમગ્ર મામલો ઉધના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.