ગુજરાત પરીક્ષા: કોઇએ નોકરી છોડી તો કોઇએ સગાઈ પાછળ ઠેલી, વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે રોષ

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે રાજ્યભરનાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષા 10 લાખથી વધુ લોકો આપવાનાં હતાં.

અનેક લોકોએ એક વર્ષ સુધી જીવનની અન્ય મહત્વની વાતો બાજુમાં મુકીને વાંચવામાં ધ્યાન આપ્યું હતું. કોઇએ પોતાની નોકરી છોડી હતી તો કોઇએ પોતાનાં લગ્ન અને સગાઇ પાછી ઠેલી હતી. આવા તો અનેક કારણો ઉમેદવારો પાસે છે પરંતુ અધિકારીઓ પાસે આ પરીક્ષા રદ કરવાનું કોઇ જ કારણ નથી.

એક અમદાવાદનાં ઉમેદવારે પોતાની સગાઇ પાઠળ ઠેલીને એક વર્ષ આ પરીક્ષા પાસ કરવા માટે ઘણી જ મહેનત કરી હતી. તેમના માતા કૈલાશબેન પરમાર પોતાનો બળાપો ખાલી કરતાં કહે છે કે. અમારા છોકરા આટલી મહેનત કરે અને સરકાર તેની પર પાણી ફેરવી દે, તો કઇ રીતે ચાલે. આનાથી તેમનું મનોબળ નીચું થાય છે. તેઓ નિરાશ અને નાસીપાસ થઇને કોઇ આડુ અવળું પગલું ભરે તો કોણ જવાબદાર. અમે તો મજૂરી કરીએ અને છોકરા માટે વિચારતા હોઇએ છીએ.

જ્યારે અન્ય વિદ્યાર્થીએ પોતાની નોકરી છોડીને આ પરીક્ષાની તૈયારીમાં લાગ્યો હતો. તેમના ઘરમાં માતા અને પિતા છે. તેમનાં માતા બીમાર જ છે અને ઘરમાં રહે છે જ્યારે પિતા મજૂરી કામ કરે છે. ત્યારે તેમનું કહેવું છે કે આટલી પૈસાની તંગીમાં પણ મેં નોકરી છોડી દીધી અને પરીક્ષાની તૈયારી કરી છે. અને છેલ્લી ધડીએ સરકાર આવું કરે ત્યારે અમારે શું કરવું.