મંદી ક્યાં છે? એક જ દિવસમાં ત્રણ ફિલ્મોએ કરી છે 120 કરોડની કમાણી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે અર્થતંત્રની મંદીની વાતને સંપૂર્ણપણે ફગાવી છે. આ માટે તેમણે હિન્દી ફિલ્મોની કમાણીનો દાખલો આપ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે બીજી ઓક્ટોબરે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે અર્થતંત્ર સ્વસ્થ હોય ત્યારે જ ફિલ્મો ખૂબ કમાણી કરી શકે છે. આ સિવાય તેમણે બેરોજગારી અંગેના NSSOના અહેવાલને પણ ખોટો ગણાવ્યો છે.

મોદી સરકારમાં કાયદા મંત્રાલયનો હવાલો સંભાળનાર રવિશંકર પ્રસાદે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં અર્થતંત્રમાં સુસ્તી અને બેકારીને સંપૂર્ણ નકારી હતી અને કહ્યું હતું કે, ‘મને ફિલ્મો પ્રત્યેનું જોડાણ છે. ફિલ્મોમાં મોટું બિઝનેસ ચાલે છે. બીજી ઓક્ટોબરે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી અને ત્રણેય ફિલ્મોનું બિઝનેસ 120 કરોડના પાર છે.

ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાંતે કહ્યું છે કે રજાના દિવસે ત્રણ ફિલ્મોએ 120 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે જ્યારે દેશમાં અર્થતંત્રમાં થોડો સુધાર છે, તો જ એક દિવસમાં 120 કરોડનું વળતર આવી રહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર પાંચ વર્ષના છ વર્ષના તળિયે પહોંચ્યો છે. રિઝર્વ બેંક સહિત વિશ્વની અનેક મોટી રેટિંગ એજન્સીઓએ પણ ભારત માટેના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. જો કે, સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી દ્વારા બેરોજગારી અંગેના NSSOના રિપોર્ટને પણ નકારી કાઢવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બેકારીનો ગ્રાફ 45 વર્ષમાં સૌથી વધુ છે. પ્રધાને કહ્યું, ‘આ રિપોર્ટ ખોટો છે. મેં તમને 10 સંબંધિત ડેટા આપ્યો છે, જે રિપોર્ટમાં નથી. અમે ક્યારેય કહ્યું નથી કે અમે દરેકને સરકારી નોકરી આપીશું. કેટલાક લોકો મૂંઝવણ ફેલાવવાનો પ્રયાસ કરે છે. ‘