વડાપ્રધાન મોદીનું મહાબલીપુરમમાં દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન

હાલ સરકાર તરફથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની ચળવળ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારતની ચળવળ પણ ચાલી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ મહાબલીપુરમ ખાતે દરિયાકાંઠે પડેલો પ્લાસ્ટિકનો કચરો ઉઠાવ્યો હતો. હાલ પીએમ મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત માટે તમિલનાડુના મહાબલીપુરમ ખાતે રોકાયા છે.

મહાબલીપુરમ ખાતે પીએ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે મુલાકાત થઈ હતી. શનિવારે પીએમ મોદીએ મહાબલીપુરમના દરિયાકાંઠે અડધા કલાકનો સમય પસાર કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ થોડી કસરત પણ કરી હતી.

આ ઉપરાંત પીએમ મોદીએ સમુદ્ર કિનારે પડેલો પ્લાસ્ટિકનો કચરો પણ સાફ કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ઓફિસિયલ ટિ્‌વટર હેન્ડલ પર આ અંગેનો વીડિયો અને તસવીરો પણ પોસ્ટ કરી છે.

પીએમ મોદીએ ટવિટમાં લખ્યું છે કે, “આજે સવારે મહાબલીપુરમ બીચ ખાતે જોગિંગ કર્યું હતું. મેં અહીં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન મેં સમુદ્ર કાંઠેથી એકઠો કરેલો પ્લાસ્ટિકનો કચરો મારા હોટલના સ્ટાફ જયરાજને સોંપ્યો હતો. આપણે સુનિશ્ચિત કરીએ કે આપણા જાહેર સ્થળે સ્વચ્છ અને સુઘડ હોય. આપણે આપણી જાતને તંદુરસ્ત રાખીએ.”