દિલ્હીમાં ચોરોનો તરખાટ: PM મોદીના ભત્રીજી દમયંતીબેનનું પર્સ ચોરાયું, હતા રોકડ રૂપિયા અને મહત્વના ડોક્યુમેન્ટ્સ

દિલ્હીમાં બદમાશો કેટલા નિર્ભય છે તેનો તાજેતરનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્નેચરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સબંધીને નિશાન બનાવ્યા હતા. શનિવારે સવારે નવી દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સાથે સ્નેચિંગની ઘટના બની હતી.

દમયંતીબેન મોદી પતિ સાથે ઓટોમાં હતા. આ સમય દરમિયાન, તેમના હાથમાંથી પર્સ છીનવીને અજાણ્યો સ્નેચર ફરાર થઈ ગયો હતો. આ કેસની માહિતી મળતાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતી બેન મોદી શનિવારે સવારે અમૃતસરથી દિલ્હી પરત આવ્યા હતા. તેમનો રૂમ સિવિલ લાઇન્સ વિસ્તારના ગુજરાતી સમાજ ભવનમાં બુક કરાયો હતો. તેઓ જૂની દિલ્હીથી ઓટો લઇને પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવનમાં પહોંચ્યા હતા. જ્યારે ગેટ પરથી નીચે ઉતરતા હતા ત્યારે સ્કૂટર પર સવાર થઈને આવેલા બે યુવાનો તેમનું પર્સ છીનવીને ફરાર થઈ ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પર્સમાં આશરે 56 હજાર રૂપિયા, 2 મોબાઇલ અને તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. સાંજે, તેને અમદાવાદની ફ્લાઇટ પકડવાની છે. ડીસીપી ઉત્તર મોનિકા ભારદ્વાજે જણાવ્યું હતું કે પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.