મોબ લીંચીગથી નારાજ નસીરૂદ્દીન શાહ બોલ્યા, “મેં લોકોની બહુ ગાળો સાંભળી પણ…”

પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે શનિવારે કહ્યું હતું કે તેઓ ટોળા દ્વારા હિંસાની ઘટનાઓ અંગેના તેમના નિવેદન પર અડગ છે પરંતુ તેઓ સમાજમાં ‘ખુલ્લી હિંસા’થી ખૂબ દુખી છે.

ગયા વર્ષે 69  વર્ષીય અભિનેતાએ ટોળાના હાથે થયેલી હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ઘણી જગ્યાએ પોલીસ કર્મચારીના મોત કરતાં ગાયના મોતને વધુ મહત્વ આપી રહી છે. ‘ઈન્ડીયા ફિલ્મ પ્રોજેક્ટ’માં નસીરુદ્દીન શાહ સાથેની વાતચીતમાં અભિનેતા આનંદ તિવારીએ તેમને પૂછ્યું કે શું રાજકીય અને સામાજિક મુદ્દાઓ પરના તેમના મંતવ્યોની ફિલ્મ જગતમાં તેમના સંબંધ પર કોઈ અસર કરે છે?

આ અંગે નસીરુદ્દીન શાહએ કહ્યું, “ફિલ્મ ઉદ્યોગ કે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ મામલામાં ક્યારેય કોઈ  સંબંધ રહ્યો નથી. મને ખબર નથી કે આનાથી મારા વલણ પર અસર પડે છે કે નહીં, કેમ કે હવે મને બહુ ઓછું કામ મળે છે અને હું મારા વિચારો પર વળગેલો છું.

તેમણે કહ્યું કે, “મેં ઘણાં લોકોની ગાળો સાંભળી છે જેમની પાસે કશુંક સારું કરવાનું નથી. પરંતુ આ બધું મને જરા પણ પ્રભાવિત કરતું નથી. દુખી કરનારી વાત તો સમાજમાં ખુલ્લેઆમ ફેલાવાઈ રહેલી નફરતની લાગણી છે.

પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખનારી 180 સેલિબ્રિટી પૈકી નસિરુદ્દીન શાહ પણ એક હતા. તાજેતરમાં 49 સેલિબ્રિટીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નસીરૂદ્દીન શાહની સાથે સિનેમેટોગ્રાફર આનંદ પટવર્ધન, ઇતિહાસકાર રોમિલા થાપર અને સામાજિક કાર્યકર હર્ષ મંદરનો સમાવેશ થાય છે.