અમદાવાદ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન, ઢાબા પર કર્યો ચા-નાસ્તો, કોંગ્રેસીઓનો જમાવડો

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં હતા. ગુરુવારે સુરતની કોર્ટમા હાજર રહ્યા ત્યાર બાદ આજે અમદાવાદની કોર્ટમાં હાજર રહ્યા હતા. શુક્રવારે અમદાવાદ પહોંચેલા રાહુલ ગાંધીએ એસ સામાન્ય ઢાબા પર ચા-પાણી કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી. રાહુલ ગાંધીએ આનો વીડિયો પણ ટવિટ કર્યો છે. અમદાવાદના બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ વીડિયોની સાથે ટવિટ કરી લખ્યું કે કાલે સુરતમાં અને આજે અમદાવાદમાં. મારી વિરુદ્વ રાજનીતિથી પ્રેરિત થઈને અરજી દાખલ કરવામાં આવી છે અને તેની સુનાવણી માટે અમદાવાદમાં પહોંચ્યો છુંય આ શહેરમાં મારા કોંગ્રેસી પરિવારના લોકોને મળી તથા સ્થાનિક રેસ્ટોરન્ટમાં ભોજન કરીને સારું લાગ્યું. હું બધાને ધન્યવાદ આપું છું.

રાહુલ ગાંધી વિરુદ્વ બદનક્ષીના કેટલાક કેસો ચાલી રહ્યા છે. શુક્રવારે કોર્ટમાં હાજર રહેલા રાહુલે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસનો આરોપી તરીકે કહેવા અંગે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. એડિશનલ ચીફ મેટ્રોપલિટન મેજિસ્ટ્રેટ આરબી ઈટાલીયાની કોર્ટમાં રાહુલ ગાંધીને દસ હજારના જાત મુચરકા પર જામીન આપવામાં આવ્યા હતા.

કોર્ટમાં રાહુલ ગાંધીએ પોતે નિર્દોષ હોવાનું કહ્યા બાદ તેમના વકીલોએ આ કેસમાં વ્યક્તિગત હાજર રહેવાની મુક્તિ માટેની અરજી કરી હતી. કોર્ટે આ કેસની સુનાવણીની આગામી તારીખ 7 ડિસેમ્બર નક્કી કરી છે. તે જ દિવસે વ્યક્તિગત દેખાવમાંથી મુક્તિ માટેની તેમની અરજીને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

તમને જણાવી દઇએ કે છ મહિના પહેલા જબલપુરની એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ અમિત શાહને ‘હત્યાના આરોપી’ ગણાવ્યા હતા, ત્યારબાદ તેમની વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલો ભાજપના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા નોંધવામાં આવ્યો હતો. મે મહિનામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સમન્સ જારી કરીને રાહુલ ગાંધીને હાજર થવા આદેશ આપ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગાંધીની ટિપ્પણી ખોટી કાર્યવાહીથી પ્રેરિત હતી કારણ કે અમિત શાહને 2015ના સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.