તેજસ એક્સપ્રેસ બાદ 150 ટ્રેન અને 50 સ્ટેશનનું પ્રાઈવેટાઈઝેશન કરવાની તૈયારી

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બાદ સરકારે અન્ય 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે સ્ટેશનોનાં ખાનગીકરણની તૈયારી કરી છે.

આ અંગે સમગ્ર માળખું તૈયાર થઈ ચૂક્યું છે. રેલ્વે મંત્રાલયે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે વાતચીતના આધારે આ ફેંસલો લીધો છે.

અમિતાભ કાંતે રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવને પત્ર લખીને 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે મથકો ખાનગી હાથોમાં સોંપવાની વાત કરી છે.

ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં ખાનગીકરણની પ્રક્રિયા માટે સચિવસ્તરનું એક સત્તાધારી જૂથ રચાશે, જેમાં નીતિ આયોગના સીઈઓ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ, આર્થિક બાબતોના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સામેલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત ચોથી ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન નિયમિત દોડતી થઈ ગઈ છે. જે લખનૌથી દિલ્હી વચ્ચે દોડે છે.