ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી: 6 બેઠક પર છે આટલા લાખ મતદારો, સૌથી વધુ અમરાઈવાડીમાં

આગામી 21મી ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની  6 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. 6 બેઠક પર કુલ 14,76,715 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ ઉપરાંત કુલ 1781 મતદાન મથકો પર મતદાન યોજાશે. અત્યારે કુલ મળીને 42 ઉમેદવારો પેટાચૂંટણી લડી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ અધિકૃત એન્જિનિયરોએ ઇવીએમ અને વીવીપેટની ચકાસણીની કામગીરી પણ પૂર્ણ કરી લીધી છે.

કુલ 18781 મતદાનમથકો પર મતદાન, 3532 ઇવીએમ-3428 વીવીપેટ ઉપયોગમાં લેવાશે. ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચે તમામ તૈયારી કરી લીધી છે. રાધનપુર,બાયડ,થરાદ,અમરાઇવાડી,લુણાવાડા અને ખેરાલુમાં પેટાચૂંટણી યોજાનાર છે.

થરાદ બેઠક પર કુલ 2,17,849 મતદારો, ખેરાલુ બેઠક પર 2,09,640 મતદારો,અમરાઇવાડીમાં 2,79,082 મતદારો નોધાયાં છે. આ ઉપરાંત લુણાવાડામાં 2,69,117 મતદારો,રાધનપુરમાં 2,69,842 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જયારે બાયડમાં 2,31,185 મતદારો આ વખતે મતદાન કરશે.

આ છ બેઠકો પર કુલ મળીને 14,76,715 મતદારો નોંધાયેલાં છે. કુલ 6 બેઠકો પર 7,70,991 પુરુષ મતદારો જયારે 7,05,712 મહિલા મતદારો નોધાયેલા છે. 6 બેઠકો પર કુલ 12 થર્ડ જેન્ડર મતદારો પણ મતાધકારનો ઉપયોગ કરશે.

રાજ્ય ચૂંટણીપંચે 21મીએ આ 6 બેઠકો પર મતદાન માટે કુલ 1781 મતદાન મથકોની વ્યવસ્થા કરી છે. થરાદમાં 260, ખેરાલુમાં 269, અમરાઇવાડીમાં 253, લુણાવાડામાં 357, રાધનપુરમાં 326 અને બાયડમાં 316 મતદાન મથકો બનાવવામાં આવશે.

6 ખર્ચ નિરીક્ષકોને કામગીરી સુપરત કરાઇ છે. આ ઉપરાંત ૬ વીડિયો વ્યૂઇંગ ટીમ, ૩૨ સ્ટેટીક સર્વેલન્સ ટીમને પણ કાર્યરત કરાઇ છે.

6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે જેના ભાગરૂપે ચૂંટણીપંચના આદેશ મુજબ રાજ્યભરમાંથી કુલ 1088 બેનરો, પોસ્ટરો અન ર્હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિવાલો પર લખાયેલાં લખાણો અને ધજા-પતાકાઓને પણ દૂર કરાઇ છે.