સુરત કોર્ટમાં હાજર રહ્યા બાદ રાહુલ ગાંધીનું ટવિટ, મને ચૂપ કરવા વિરોધીઓના પ્રયાસો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં અદાલતમાં હાજર થવા માટે ગુરુવારે સવારે સુરત પહોંચ્યા હતા. જો કે આ કેસની સુનાવણી 10 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. હવે રાહુલ ગાંધીએ 11 ઓક્ટોબરે અન્ય માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટમાં હાજર રહેવાનું છે. રાહુલે આ અંગે ટવિટ કરીને કહ્યું છે કે મને ચૂપ કરવા માટે બેચેન વિરોધીઓએ આ કેસ દાખલ કરાવ્યો છે. કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે કાયદાને તેનું કામ કરવા દેવામાં આવે.

નોંધપાત્ર વાત એ છે કે, કર્ણાટકના કોલારમાં ચૂંટણી સભા દરમિયાન રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ‘કેમ બધા ચોરો મોદી અટક ધરાવે છે’. આ માટે તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરત પહોંચેલા રાહુલે સુનાવણી માટે કોર્ટ સમક્ષ હાજર થવાની મુક્તિ માટેની અરજી કરી હતી અને કોર્ટે જવાબ આપવા માટેની તારીખ 10 ડિસેમ્બર નક્કી કરી છે.

આ અંગે રાહુલે ટવિટ કરીને કહ્યું હતું કે ‘ મને ચૂપ કરવા માટે અધીરા મારા રાજકીય વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા માનહાનિ માટે હાજર થવા માટે સુરતમાં છું. મને સમર્થન અને પ્રેમ આપવા આવેલા કોંગ્રેસના કાર્યરોનો આભાર માનું છું.

આ અગાઉ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું છે કે કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું, તેથી રાહુલ આવ્યા છે. તેમણે કહ્યું કે કાયદાને કાયદાનું કામ કરવા દેવામાં આવે. જ્યારે કોર્ટ પોતાનો ચુકાદો આપશે ત્યારે જોવાઈ જશે અને જજ કહેશે તેમ કરવામાં આવશે.

આ સાથે જ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે લોકશાહીમાં શાસક પક્ષને વિપક્ષની ટીકા સહન કરવી જોઈએ. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે અને નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા. ભાજપે તેમના નિવેદનને મોદી સમુદાય સાથે જોડ્યું અને તેનું અપમાન કર્યું.

જુલાઈમાં યોજાયેલી સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને વ્યક્તિગત રૂપે હાજર રહેવા મામલે મૂક્તિ આપી હતી અને આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 10 ઓક્ટોબર નક્કી કરી હતી. આ અગાઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એસ. એચ. કાપડિયાએ મે મહિનામાં રાહુલ ગાંધી સમન પાઠવ્યું હતું. કોર્ટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ફરિયાદને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ સ્વીકારી હતી. આ કલમ હેઠળ ફોજદારી માનહાનિના કેસો છે.