સુરતની કોર્ટમાં હાજર થતાં રાહુલ ગાંધી, કહ્યું “ગુનો કબૂલ નથી:” કોર્ટમાં હાજર રહેવામાંથી મૂક્તિની માંગ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સુરતની કોર્ટમાં હાજર થયા હતા. સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્સીના કેસમાં રાહુલ ગાંધીએ હાજરી આપી હતી, કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા માટે ફરમાન જારી કર્યું હતું.

આજે સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધી સુરતની ચીફ કોર્ટમાં રજૂ થયા હતા. ન્યયાધીશે પ્લી રેકોર્ડની કાર્યવાહી શરૂ કરી હતી. ફરીયાદપક્ષ તરફથી કરવામાં આવેલા આરોપોને લઈ કોર્ટમાં રાહુલ ગાંધને પૂછવામાં આવ્યું કે શું તમારા પર દાખલ કરવામાં આવેલો ગુનો કબૂલ છે. તો રાહુલ ગાંધીએ ઈન્કાર કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું કહ્યું હતું. કોર્ટે હવે પછી 10મી ડિસેમ્બરે વધુ સુનાવણી રાખી છે.

રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં અરજી આપવામાં આવી છે અને હંમેશને માટે હાજર રહેવા માટે મૂક્તિની માંગ કરવામાં આવી છે. આવા પ્રકારના મામલામાં મૂક્તિની માંગ કરી શકાય છે. જોકે, કોર્ટે આ અરજી પર સુનાવણી માટે પણ 10મી ડિસેમ્બરની તારીખ આપી છે.

રાહુલ ગાંધીની કોર્ટમાં હાજરીના પગલે સમગ્ર કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હતું. તેમના રૂટ ઉપરાંત કોર્ટમાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. પક્ષકારો અને વકીલોને પણ કેટલાક સમય માટે કોર્ટ સંકુલમાં જવા દેવામાં આવ્યા ન હતા. લોકોને પણ મેટલ ડિટેક્ટરમાં તપાસ કર્યા બાદ જ અંદર જવા દેવામાં આવ્યા હતા.

2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ બેંગ્લુરુ નજીકની જાહેરસભામાં કહ્યું હતું કે બધા કૌભાંડીઓની અટક મોદી કેમ હોય છે. આ નિવેદનના અનુસંધાને સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય અને મોદી અટકધારી એવા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્વ મોદી સમાજને બદનામ કરવા સબબે બદનક્સીનો કેસ દાખલ કર્યો છે.