રાજકોટની આજી જીઆઈડીસીની આગમાં ફાયરના ચાર લાશ્કરો દાઝી ગયા

આજે સાંજે રાજકોટમાં આવેલી આજી જીઆઈડીસીની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ફાયર બ્રિગેડના ચાર લાશ્કરો દાઝી ગયા હોવાની ઘટના બની હતી.

આજી જીઆઈડીસીમાં આવેલી આઈઆઈટી કલર ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા ફેક્ટરીમાં કામ કરતા કારીગરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આગના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને મોટી આગ લાગી હોવાનું જણાઈ આવી રહ્યું હતું.

ઘટનાની જાણ રાજકોટ ફાયર બ્રિગેડના થતાં ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. પણ આ પ્રયાસોમાં ચીફ ફાયર ઓફીસર સહિત ચાર લાશ્કરો દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ કલાકના સમય બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.