દારુબંધીના ધજાગરા ઉડાડતી ઘટના: દારુડીયા ડ્રાઈવર-કન્ડક્ટર બસને વડોદરા લઈ જવાના બદલે રાજપીપળા હંકારી ગયા

હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ગુજરાતમાં દારુ પીવાય છે અને વેચાય છે તે અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિવાદ થયો અને ગુજરાતના સીએમએ કહ્યું કે ગુજરાતમાં દારુબંધી છે અને ગેહલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું છે ત્યારે દારુબંધીના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે.

GJ-18Z-5852 નંબરની બસ વાયા વડોદરા છોટા ઉદેપુર જવાની હતી પણ બસના ડ્રાઈવરે એટલો બઘો દારુ ઢીંચ્યો હતો કે તેને રસ્તાનું ભાન જ રહ્યું નહીં અને બસને વડોદરા લઈ જવાના બદલે સીધી રાજપીપળા હંકારી દીધી હતી. વચ્ચે બે-ત્રણ પેસેન્જરને ઉતરવાનું હતું તો કન્ડક્ટર મહાશય ડબલ ઢીંચેલા જણાઈ આવ્યા હતા.

આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો વીડિયોમાં જણાય છે કે ડ્રાઈવર અને કન્ડક્ટર બન્ને દારુના નશામાં હતા. ડ્રાઈવર કબૂલાત કરે છે તે તે રસ્તો ભૂલ્યો પણ વડોદરા તરફ જવાનું હતું તો કન્ડક્ટરની ફરજ હતી કે ડ્રાઈવરને રસ્તો બરાબર છે કે નહીં તે બતાવવાનું. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ડ્રાઈવરની સાથે કન્ડક્ટર પણ દારુના નશામાં હોવાનું જણાય છે અને બન્ને કબૂલે પણ છે કે બન્ને જણાએ દારુ પીધો છે.