ટીકીટ કપાયા બાદ અલ્પેશ ઠાકોર જોડે પહેલી વાર સ્ટેજ પર દેખાયા શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. રાધનપુર સીટ પરનો જંગ પ્રતિષ્ઠાભર્યો બન્યો છે ત્યારે ભાજપના એક વખતના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને ટીકીટ નહીં આપીને ભાજપે સૌને ચોંકાવી દીધા હતા અને કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા અલ્પેશ ઠાકોરને ટીકીટ આપી હતી. અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ પર શેર કરી છે.

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે રાજકીય ખટરાગ સર્જાયો હોવાની અટકળો ચાલતી રહી છે. એવુ મનાતું હતું કે શંકર ચૌધરીને રાધનપુર અથવા બાયડ વિધાનસભામાંથી ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારીને ફરી વાર તેમને ટીકીટ આપી શકે છે. શંકર ચૌધરીએ આ માટે તનતોડ પ્રયાસો પણકર્યા હતા પરંતુ જીતુ વાઘાણીની સામે તેમનો પનો ટૂંકો પડ્યો હતો અને ટીકીટ અલ્પેશ ઠાકોરને મળી હતી જ્યારે બાયડમાં પણ ભાજપે કોંગ્રેસના અન્ય એક બળવાખોર ધવલસિંહ ઝાલાને ટીકીટ આપી દેતા શંકર ચૌધરીની મનની મનમાં રહી ગઈ હતી.

અલ્પેશ ઠાકોર દ્વારા ચૂંટણી પ્રચારમાં કોઈ કચાશ રાખવામાં આવી રહી ન હોવાનું જણાય છે તો બીજી તરફ કોંગ્રેસે રાધનપુરના નેતા અને પાછલા 20 વીસ વર્ષથી ટીકીટ માટે વેઈટીંગ લિસ્ટમાં રહેતા રઘુ દેસાઈને ટીકીટ આપી છે. અહીંયા ત્રિકોણીયો જંગ છે. આવી સ્થિતિમાં ભાજપે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે મનમેળ સાધવાના ભાગરૂપે બન્નેને એક જ મંચ પર ભેગા કર્યા હતા અને બન્ને નેતાઓ વચ્ચે એક્તા હોવાનું ચિત્ર ઉભું કર્યું હતું. રાધનપુરની સભામાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરે એક સાથે સ્ટેજ શેર કર્યું હતું.