ડાંગ: આચાર્ય અને શિક્ષિકા કરી રહ્યા હતા પ્રણ્યફાગ, વીડિયો વાયરલ થતાં ભરાયું આ પગલું

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકા પ્રણયફાગ ખેલવામાં વ્યસ્ત રહેતા હતા. આ બન્નેના કેટલાક આપત્તીજનક કહો કે અશ્લીલ ફોટો અને વીડિયો શિક્ષકોમાં જ વાયરલ થયા હતા. વાત વધીને વાલીઓ સુધી પહોંચતા મામલો ગરમાયો હતો.

ગામ લોકોએ પોતાના બાળકોનું હિત જોતા શાળાએ જઇ હોબાળો મચાવતા શિક્ષણ તંત્ર દોડતું થયું હતું. વિવાદ વકરે એવું લાગતા ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ ટી.પી.ઓ.દ્વારા પ્રથમ તપાસ કરાવી હતી. જેમાં શિક્ષણ અને શિક્ષિકાના અંગત પળોની વીડિયો કલીપ અને ફોટા સાચા હોવાનું તથા બન્નેની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ મુખ્ય શિક્ષકે પોતે જ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મુખ્ય શિક્ષક અને શિક્ષિકાની અલગ અલગ જગ્યાએ બદલી કરી દેવાઇ છે.

આ અંગે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂસારાએ જણાવ્યું હતું કે, બન્ને શિક્ષકોની તત્કાળ અસરથી અલગ અલગ શાળાઓમાં બદલી કરી દીધી છે. સાથે તેઓ સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલા ભરવા માટે તમામ પુરાવાઓ સહિત શિક્ષણ નિયામકને રિપોર્ટ કરાયો છે.