રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજર થશે, અમદાવાદમાં 11મીએ કોર્ટમાં થશે રજૂ

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં રહેશે. બે જુદાજુદા કેસમાં તે પહેલા આજે સુરતની કોર્ટમાં હાજરી આપશે. જ્યારે બીજા દિવસે અમદાવાદમાં ૧૧મીએ કોર્ટમાં હાજર થશે. ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં કર્ણાટકની એક રેલીમાં ‘બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ’ એવી ટીપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આવતીકાલ એટલે કે 10 ઓક્ટોબર, ગુરુવારની તારીખ છે. કોંગ્રેસી અને કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુદતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે.

બેંગ્લોરથી 100 કિમી દુર તા. 13મી એપ્રિલ, 2019ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડનો પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યાકેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેમી મુદ્દત 11 ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા આવશે.

કેટલાંક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાદ દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનિંગ હાથ ધર્યું હતુ. રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ જશે, બાદમાં એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે. નોંધનીય છે કે રાહુલ તરફે એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે.